BREAKING NEWS

બેદરકારી મોંઘી પડી: ટાયરમાં ઓછી હવા હોવાના કારણે દેશના ₹4500 કરોડ ધુમાડો; વર્ષે 42 કરોડ લીટર પેટ્રોલનો થઈ રહ્યો છે વેડફાટ

  • July 11, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે આપણે પેટ્રોલ પંપ પર જઈએ છીએ ત્યારે આપણું આખું ધ્યાન આજના પેટ્રોલ-ડીઝલના ભાવ અને મીટરના આંકડા પર જ હોય છે. ખિસ્સામાંથી હજારો રૂપિયા ચૂકવતી વખતે જીવ બળે છે, પણ એ જ સમયે ગાડીના ટાયરમાં હવા ચેક કરાવવાની મફત સેવા તરફ આપણી નજર પણ નથી જતી. રોજિંદી દોડધામમાં આ સાવ નાની લાગતી આળસ કે બેદરકારી માત્ર તમારા ખિસ્સાને જ નહીં, પરંતુ આખા દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે ‘પંચર’ કરી રહી છે, તેનો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

વાહનોની સમયસર સર્વિસ અને જાળવણી ન કરવાના કારણે દેશને દર વર્ષે હજારો કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ‘ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન’ (ATMA) ના તાજેતરના અહેવાલે દેશના વાહનચાલકોની આંખો ખોલી નાખી છે. રિપોર્ટ અનુસાર, ટાયરમાં હવાનું દબાણ ઓછું હોવાને કારણે ભારતમાં દર વર્ષે ૪૨ કરોડ લીટરથી વધુ પેટ્રોલ નકામું બળી જાય છે, જેની કિંમત આજના સમય પ્રમાણે ૪,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે.


ઓછી હવાનું સીધું ગણિત: 

૧ PSI ઘટ્યું એટલે માઇલેજ ઘટ્યું!
એટમા (ATMA) ની ટેકનિકલ પાંખ ‘ઇન્ડિયન ટાયર ટેકનિકલ એડવાઇઝરી કમિટી’ (ITTAC) દ્વારા દેશભરમાં ૧.૩ લાખથી વધુ વાહનોના ટાયરોની તપાસ કરવામાં આવી હતી. આ સર્વેના પરિણામો ડરામણા છે:


૩૨% ટાયરોમાં હવા કંપનીના નક્કી કરેલા માપદંડ કરતાં ૨૦% સુધી ઓછી હતી.

૨૧% ટાયરોમાં હવા ૧૦ થી ૨૦% જેટલી ઓછી જોવા મળી હતી.

ગણિત શું કહે છે?: આંતરરાષ્ટ્રીય સંશોધનો દર્શાવે છે કે ટાયરમાં માત્ર ૧ PSI હવા ઓછી થાય, તો ગાડીની માઇલેજ ૦.૨% ઘટી જાય છે.


ભારતમાં વર્ષે અંદાજે ૫૬.૭૭ અબજ લીટર પેટ્રોલ વપરાય છે. ટાયરમાં ઓછી હવા હોવાને લીધે ગાડી પર લોડ વધે છે અને એન્જિન વધુ ઇંધણ ખેંચે છે. આ કારણે દેશના કુલ વપરાશનું ૦.૭૫% એટલે કે ૪૨.૫૭ કરોડ લીટર પેટ્રોલ રસ્તા પર જ વેડફાઈ જાય છે. જો આમાં ડીઝલ અને સીએનજી વાહનો ઉમેરીએ તો આ આંકડો અકલ્પનીય મોટો બને.


બજેટની સાથે જીવનું પણ જોખમ
આ સર્વે માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ સુરક્ષા સામેના મોટા જોખમો પણ જાહેર કરે છે. ITTAC અને એટમાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓછી હવા રાખવાના ગંભીર પરિણામો આ મુજબ છે:


૧. ટાયર ફાટવાનું જોખમ: ટાયરમાં હવા ઓછી હોય ત્યારે રસ્તા સાથે તેનું ઘર્ષણ (Friction) વધી જાય છે, જેનાથી ટાયર ઝડપથી ગરમ થાય છે. હાઇવે પર હાઇ-સ્પીડમાં આવા ટાયરો ફાટવાની અને અકસ્માત થવાની શક્યતા સૌથી વધુ રહે છે.


૨. નબળી હેન્ડલિંગ અને બ્રેકિંગ: ઓછી હવાને કારણે ઇમરજન્સીમાં બ્રેક લગાવતી વખતે ગાડી ઊભી રહેવામાં વધુ સમય લે છે અને સ્ટેઇરિંગ પરનો કંટ્રોલ નબળો પડે છે.


​​​​​​​૩. ખર્ચમાં વધારો: હવા ઓછી હોવાથી ટાયર અસમાન રીતે ઘસાય છે, જેના કારણે તે સમય પહેલાં જ ખરાબ થઈ જાય છે અને વાહન માલિકને નવું ટાયર નખાવવાનો મોટો ખર્ચ માથે આવે છે.

તો ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
સામાન્ય રીતે નાની અને મધ્યમ કદની કાર માટે ૩૦ થી ૩૫ PSI (પોન્ડ્સ પ્રતિ ચોરસ ઇંચ) નું એર પ્રેશર ઉત્તમ માનવામાં આવે છે. જોકે, દરેક ગાડીની બનાવટ અલગ હોવાથી તમારી કારના દરવાજાની અંદરની બાજુએ અથવા મેન્યુઅલ બુકમાં કંપનીએ લખેલું ચોક્કસ પ્રેશર જોઈ લેવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application