પડોશી દેશ નેપાળમાં આવેલી ભયાનક પૂરની હોનારતે વ્યાપક વિનાશ સર્જ્યો છે. નેપાળ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી તાજેતરની માહિતી અનુસાર, રવિવારે બપોરે 3 વાગ્યા સુધીમાં પૂર અને ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં કુલ 781 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. આ કુદરતી આપત્તિમાં સૌથી વધુ તારાજી ચિતવન જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 264 લોકોના મોત નીપજ્યા છે. આ સિવાય નવલપરાસી ઈસ્ટમાં 194, નવલપરાસી વેસ્ટમાં 120, ગોરખામાં 58, નુવાકોટમાં 52, ધાડિંગમાં 50, તનહુંનમાં 37 અને રસુવા જિલ્લામાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
નેપાળના નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના જણાવ્યા મુજબ, રવિવારે બપોરે 1 વાગ્યા સુધીમાં 2502 થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના અને વિવિધ બચાવ ટુકડીઓ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પૂરના કારણે મૃત્યુ પામેલા પરંતુ જેઓની ઓળખ થઈ શકી નથી, તેવા મૃતદેહોને સુરક્ષિત રાખવા માટે દેશભરની 21 વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
આ કુદરતી હોનારત વચ્ચે ભારતે પડોશી ધર્મ નિભાવીને વ્યાપક મદદનો હાથ લંબાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) રવિવારે સાંજે માહિતી આપી હતી કે નેપાળમાં ફસાયેલા કુલ 149 ભારતીય નાગરિકોને અત્યાર સુધીમાં સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બચાવવામાં આવેલા તમામ 149 ભારતીયોની યાદી જારી કરી છે અને ખાતરી આપી છે કે ભારત સંકટની આ ઘડીમાં નેપાળની સાથે મજબૂતીથી ઊભું છે.
ભારત તરફથી રાહત સામગ્રી લઈને 4 થી વિશેષ ફ્લાઈટ નેપાળ પહોંચી ગઈ છે અને સામગ્રી સ્થાનિક તંત્રને સોંપવામાં આવી છે. આ ફ્લાઈટમાં 11 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે, જેમાં સર્ચ અને રેસ્ક્યૂ કામગીરી માટેના ખાસ ઉપકરણો, ટનલ ટેકનિકલ ટીમ તેમજ ડીએનએ (DNA) પૃથક્કરણ માટે ફોરેન્સિક નિષ્ણાતોની વિશેષ ટુકડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલા લોકો માટે ધાબળા, સ્લીપિંગ બેગ, તાર્પોલિન, પ્લાસ્ટિક શીટ્સ અને હાઇજીન કિટ્સ જેવી જરૂરિયાતો મોકલવામાં આવી છે. ગંભીર પરિસ્થિતિને જોતાં આવનારા દિવસોમાં પણ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.