જો તમે ભારતમાં બેસીને અમેરિકા, બ્રિટન કે અન્ય કોઈ દેશના ક્લાયન્ટ માટે કામ કરો છો અને તમારી કમાણી ડોલર કે પાઉન્ડમાં થાય છે, તો હવે માત્ર બેંકમાં પૈસા આવી જવા પૂરતા નથી. 1 ઓક્ટોબર 2026 થી સર્વિસ એક્સપોર્ટ માટે એક્સપોર્ટ ડિરેક્લેરેશન ફોર્મ એટલે કે ઈડીએફ (EDF) ની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ નિયમ હેઠળ હવે વિદેશી ક્લાયન્ટ પાસેથી મળેલા પેમેન્ટનું ઈનવોઈસ, સર્વિસની વિગતો અને બેંક રેકોર્ડ રાખવો અત્યંત અનિવાર્ય બની ગયો છે.
નવા નિયમ અનુસાર, વિદેશી ક્લાયન્ટ્સને સેવાઓ પૂરી પાડતા એક્સપોર્ટર્સે પોતાની સર્વિસ અને તેની કિંમતનું ડિક્લેરેશન આપવું પડશે. જે મહિનામાં ઈનવોઈસ જનરેટ થયું હોય તેના પછીના મહિનાના 30 દિવસની અંદર આ ઈડીએફ ડિક્લેરેશન આપવાનું રહેશે. ઉદાહરણ તરીકે, ઓક્ટોબર 2026 ના ઈનવોઈસ માટે પ્રથમ ડિક્લેરેશનની અંતિમ તારીખ 30 નવેમ્બર 2026 રહેશે. આ ફેરફારથી ફ્રીલાન્સર્સ, સોફ્ટવેર એન્જિનિયર્સ, આઈટી પ્રોફેસનલ્સ, ડિજિટલ માર્કેટિંગ એજન્સીઓ અને ડિઝાઈનર્સે પોતાની વિદેશી કમાણીનો હિસાબ વધુ સુવ્યવસ્થિત રાખવો પડશે.
યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ માટે મહત્વની વાત એ છે કે દરેક વિદેશી પેમેન્ટ સર્વિસ એક્સપોર્ટ ગણાતું નથી. જો તમે કોઈ વિદેશી બ્રાન્ડ કે કંપની માટે ખાસ સર્વિસ આપીને પેમેન્ટ મેળવ્યું હોય તો જ તે આ દાયરામાં આવશે, પરંતુ યુટ્યુબ એડ રેવન્યુ કે એફિલિએટ ઈનકમ માટેના નિયમો અલગ હોઈ શકે છે. આ નિયમ કોઈ નવો ઈન્કમ ટેક્સ નથી, પરંતુ તે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ફોરેન કરન્સીના રિપોર્ટિંગ સાથે જોડાયેલો કાનૂની ફેરફાર છે.
આ પ્રક્રિયામાં ઓથોરાઈઝ્ડ ડીલર એટલે કે બેંકો મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે ઈડીએફની માહિતી બેંક દ્વારા એક્સપોર્ટ ડેટા પ્રોસેસિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમમાં દર્જ કરવામાં આવે છે. તેથી, વિદેશથી આવતા પૈસા કઈ સર્વિસના બદલામાં આવ્યા છે તેનો સ્પષ્ટ રેકોર્ડ રાખવો જરૂરી બનશે. ટૂંકમાં, આ ફેરફારથી કોઈ નવો ટેક્સ લાગશે નહીં અને ડોલરમાં કમાણી ચાલુ જ રહેશે, પરંતુ કમાણીના કાગળો અને પુરાવાઓ યોગ્ય રીતે જાળવી રાખવા પડશે.