BREAKING NEWS

અમદાવાદ પ્લેન ક્રેશની જગ્યાએ બનશે નવી આધુનિક હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગ, સરકારે આપી મંજૂરી

  • May 26, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના અસારવા વિસ્તારમાં પ્લેન ક્રેશની દુર્ઘટના આજે પણ લોકો ભૂલ્યા નથી. હવે જે ચોક્કસ સ્થળે આ પ્લેન ક્રેશની ઘટના બની હતી, તે જમીનને લઈને રાજ્ય સરકાર દ્વારા એક ખુબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસના આ અસરગ્રસ્ત વિસ્તારમાં એક ભવ્ય અને આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગના બાંધકામને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી આરોગ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને શ્રેષ્ઠ સુવિધાઓ મળશે.


સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, આરોગ્ય વિભાગે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂ. ૫૧ કરોડથી વધુના કુલ અંદાજિત ખર્ચની સામે પ્રથમ તબક્કાના કામો માટે આશરે રૂ. 34.65 કરોડની વહીવટી મંજૂરી આપી દીધી છે. આ નવી આધુનિક ઇમારત અસારવા સિવિલના એ જ પરિસરમાં બનશે જે ભૂતકાળમાં વિમાન દુર્ઘટનાથી પ્રભાવિત થયું હતું. આ નવા બાંધકામને સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગે વિગતવાર નિયમો અને કડક શરતો પણ જાહેર કરી છે.


આ નવનિર્માણ પ્રોજેક્ટ અંતર્ગત સિવિલ હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટી વિંગ સાથે સંકળાયેલા તબીબી વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટરો અને અન્ય પેરામેડિકલ સ્ટાફ માટે રહેવાની ઉત્તમ હોસ્ટેલ તેમજ જમવા માટે આધુનિક હાઇજીનિક મેસ સુવિધા ઉભી કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર રાજ્ય અને બહારથી આવતા દર્દીઓનો ધસારો રહેતો હોવાથી, અહીં રાત-દિવસ સેવા આપતા તબીબો માટે આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા સમયથી જરૂરી માનવામાં આવી રહ્યું હતું.


સરકાર દ્વારા બહાર પાડેલા પત્ર મુજબ, બાંધકામની ગુણવત્તા, માળખાકીય સુરક્ષા ધોરણો અને ટેકનિકલ માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. તમામ કામગીરી જાહેર બાંધકામ વિભાગની ગાઇડલાઇન મુજબ જ હાથ ધરાશે. આ મંજૂરી મળ્યા બાદ હવે ટૂંક સમયમાં જ વહીવટી તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ઝડપથી ભૂમિપૂજન કરીને બાંધકામની કામગીરી ગતિમાન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News