બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં કોઈ અજાણ્યા અને નિર્દયી વ્યક્તિ દ્વારા એક માસુમ નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી દઈ તેને જીવતેજીવ સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સળગતા કચરાના ઢગલા વચ્ચેથી નવજાત શિશુ મળી આવતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે સનસનાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, કાદર શેઠની વાડી વિસ્તારમાંથી પસાર થતાં સ્થાનિક રહીશોને કચરાના ઢગલામાંથી અચાનક ધુમાડો નીકળતો અને કંઈક સળગવાની તીવ્ર ગંધ આવતી જણાાઈ હતી. આથી આસપાસના લોકોને શંકા જતાં તેઓએ નજીક જઈને તપાસ કરી હતી. કચરાના ઢગલામાં તપાસ કરતા જ સળગતા કચરા વચ્ચે એક નવજાત બાળક હોવાનું નજરે પડ્યું હતું. જેને તુરંત જ સળગતા કચરાના ઢગલામાંથી બહાર કાઢ્યું હતું. આ અત્યંત કરૂણ અને નિર્દયી દ્રશ્ય જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા.
આ હૃદયદ્રાવક ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક બોટાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર સ્થળનું પંચનામું કરી નિરીક્ષણ હાથ ધર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. નિર્દયતાની તમામ સરહદો વટાવીને આચરવામાં આવેલું આ પાપી કૃત્ય કોણે અને કયા કારણોસર કર્યું છે, તેમજ આ બાળકની માતા કે વાલી કોણ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કરૂણ બનાવને પગલે બોટાદ શહેરના નાગરિકોમાં ભારે આક્રોશ અને રોષની લાગણી જોવા મળી રહી છે. નિર્દોષ બાળકની આવી હાલત કરનાર ગુનેગારોને વહેલી તકે ઝડપી પાડવા લોકો માંગ કરી રહ્યા છે. હાલમાં બોટાદ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તથા સ્થાનિક લોકોની પૂછપરછ કરીને પાપી ગુનેગાર સુધી પહોંચવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.