રાજકોટ શહેરના આજીડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને ફાયરના જવાનોની મદદથી મૃતદેહને કાઢી ફોરેન્સિક પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે, મૃતક અમુલ સર્કલ નજીક ઝૂંપડામાં રહેતી હતી અને છએક મહિના પહેલા જ લગ્ન થયા હતા. રવિવારી બજારમાં ફુગ્ગા વેંચવા જવાનું કહી ઘરેથી નીકળી હતી પરંતુ સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન મૃતદેહ મળી આવ્યો હતો. નવોઢાએ આપઘાત કર્યાની આશંકા જણાઈ રહી છે.
અમુલ સર્કલ નજીક આજી જીઆઈડીસીમાં ઝુંપડામાં રહેતી સંગીતા કિશનભાઈ કારોળીયા (ઉ.વ.18)ની નવોઢાની લાશ આજે સવારે આજીડેમમાંથી પરિવારજનોની શોધખોળ દરમિયાન મળી આવતા પરિવારમાં કલ્પાત સર્જાયો હતો. સંગીતા ફુગ્ગા વેંચી પરિવારને મદદરૂપ થતી હતી, ગઈકાલે બપોરે આજીડેમ રવિવારીમાં ફુગ્ગા વેચવા માટે ઘરેથી રિક્ષામાં નીકળી હતી બાદમાં મોડે સુધી પરત ફરી ન હતી આથી પરિવારજનો તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી ફાયર બિગ્રેડની મદદથી મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. તેણીના લગ્ન છએક મહિના પહેલા જ થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યાની શંકા જણાઈ રહી છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે તપાસ યથાવત રાખી છે.