રાજકોટ મહાપાલિકાએ જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાતા ખાનગી મેળાઓ માટે મેદાન ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ કર્યું હતું પરંતુ આ વર્ષે આ માટે એક પણ ટેન્ડર નહીં આવતા ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ ગઇ હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં ચારથી પાંચ સ્થળોએ ખાનગી મેળા યોજાયા છે પરંતુ ખાનગી મેળાના આયોજકોએ આ વખતે ખાનગી માલિકીના પ્લોટ્સ ઉપર પસંદગી ઉતારી છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રેસકોર્સ મેદાનમાં તા.૨ સપ્ટેમ્બરથી લોકમેળો શરૂ થવાનો છે, ત્યારે દર વર્ષની જેમ રાજકોટ મહાપાલિકાએ પણ ખાનગી મેળા માટે વિવિધ પ્લોટ ભાડે આપવા તૈયારી શરૂ કરી હતી જેમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર નાના મવા સર્કલના કોર્નર પરનો પેટ્રોલપંપની બાજુનો ૯,૪૩૮ ચોરસ મીટરનો ટીપી પ્લોટ, સાધુવાસવાણી રોડ ઉપર રાજ પેલેસ બિલ્ડીંગની સામે આવેલો ૫,૩૮૮ ચોરસ મીટરનો પ્લોટ અને ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર અમિન માર્ગના કોર્નર ઉપર ઝેડ બ્લુની સામે આવેલો ૪,૬૬૯ ચોરસ મીટરનો પ્લોટ સહિતના ત્રણ પ્લોટ ખાનગી મેળા માટે ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી પરંતુ આ વર્ષે આ માટે એક પણ ટેન્ડર આવ્યું ન હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં ચારેક ખાનગી મેળા તો શરૂ પણ થઇ ચૂક્યા છે પરંતુ આ વર્ષે તમામ ખાનગી મેળાના આયોજકોએ મહાનગરપાલિકાના પ્લોટના બદલે ખાનગી માલિકીના પ્લોટ ઉપર પસંદગી ઉતારી છે.