BREAKING NEWS

જામનગર નજીક ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

  • August 31, 2026 12:43 PM 

જામનગર નજીક ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત

ભોળેશ્ર્વર દર્શનાર્થે જતા ચેલા-ચંગા રોડ પર મધરાત્રે કાર, પેસેન્જર રીક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત : મહિલા, બાળકો સહિત સાત ઘાયલ : ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ ટુકડી દોડી ગઇ : સેવા કેમ્પના લોકો મદદમાં જોડાયા

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર મધરાતે આશરે બે વાગ્યાના અરસામાં ચંગા રોડ વિસ્તારમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. એક કિયા કાર, પેસેન્જર ઓટોરિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં ત્રણેય વાહનોના ડુચ્ચા નીકળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઓટોરિક્ષા ચાલક સહિત બાઇક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

આ ઉપરાંત અન્ય વાહનોમાં સવાર નાના બાળકો સહિત કુલ છ  થી સાત વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

જામનગર સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે શ્રાવણ માસના ત્રીજા સોમવારે જઈ રહ્યા હતા, જેના કારણે આ માર્ગ પર રાત્રિના સમયે પણ વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી હતી. દરમિયાન વહેલી સવારે સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી હતી.

અકસ્માતની જાણ થતાં નજીકમાં સેવા કાર્યમાં જોડાયેલા કેટલાક સેવાભાવી યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, જેઓની સાથે ૧૦૮ની અલગ અલગ ૩ ટીમો પણ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ સાથે પહોંચી ગઈ હતી, અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીમાં મદદ કરી હતી.
​​​​​​​
બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.જે. રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ તપાસ દરમિયાન રીક્ષા ચાલક ગુલાબભાઈ બારોટ (ઉંમર વર્ષ ૬૦)નું ગંભીર રીતે ઘાયલ થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું છે. આ ઉપરાંત ડબલ સવારી બાઈક પર બેઠેલા જામનગરના બે યુવાનો નવીન પઠાણ અને નોમન સમા કે જે બંને પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થવા હોવાથી તે બંનેના પણ મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. 

આ ઉપરાંત ત્રીપલ અકસ્માતના બનાવમાં ધારાબેન બારોટ (ઉંમર વર્ષ ૪૦) આશી બારોટ (૧૧ વર્ષ), અંજલી મોખરા (ઉંમર વર્ષ ૧૦) ક્રિશ મોખરા (૧૦ વર્ષ) ચંદ્રિકાબેન મોખરા (૫૫), દર્શન બારોટ (૧૩ વર્ષ) અને પરમ રાજેશભાઈ (૧૫ વર્ષ) કે જે ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તમામને સારવાર આપવામાં આવી રહી છે. ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. પંચકોષી બી. ડિવિઝનના પી.આઈ. વી. જે. રાઠોડ અને તેઓની પોલીસ ટીમ દ્વારા અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં કોની બેદરકારી જવાબદાર હતી તે સહિતના મુદ્દે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application