જામનગર: સરદાર બીગ ઇન્ડસ્ટ્રીઝ હબ દ્વારા ભોળેશ્ર્વર પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પ
જામનગર શહેર તેમજ લાલપુર તાલુકાના શીવભકતો આસ્થા સમાન ભોળેશ્ર્વર મહાદેવ મંદિરે શિવરાત્રી તેમજ શ્રાવણ માસમાં ભાવિકો ભોળીયા ભોળાનાથના દર્શન કરવા ભોળેશ્ર્વર પરિવારજનો સાથે જતા હોય છે. ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારે વહેલી સવારે મંગલાઆરતીમાં ભાગ લેવા માટે સેંકડો પદયાત્રીઓ જામનગરથી ભોળેશ્ર્વર પહોંચતા હોય છે. આ પદયાત્રીઓની સેવા માટે રવિવાર રાત્રે ૮ વાગ્યાથી આખી રાત સેવાકીય કેમ્પ યોજાતા હોય છે. જામનગરના સરદાર બીગ ઇન્ડસ્ટ્રીઝ હબના કાર્યકર્તાઓ, હોદેદારો દ્વારા આજે ત્રીજા સોમવારે પણ જતા પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવેશભાઇ ગાગીયા સહિતના કાર્યકર્તાઓની ટીમ જોડાઇ હતી. સોમવારે ભોળેશ્ર્વર મહાદેવના પદયાત્રા કરીને દર્શન કરવાનું ખુબ જ મહત્વ છે.
દરેડથી ભોળેશ્ર્વર સુધી અનેક સેવાકીય કેમ્પો યોજાતા હોય છે જેમાં ફ્રુટ, ફરાળ, ઠંડા પીણા, પાણી, તેમજ પદયાત્રીઓને આરામ કરવાની સુવિધાઓ આયોજકો દ્વારા પુરી પાડવામાં આવતી હોય છે. હર હર મહાદેવનાં નાદ સાથે સેંકડો ભોળાનાથનાં ભકતો ભોળેશ્ર્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.