રાજકોટ શહેરમાં સતત ચોથા સપ્તાહમાં ડેન્ગ્યૂનો કેસ નોંધાયો છે. લગભગ છેલ્લા એક મહિનાથી વરસાદ નથી પરંતુ સતત વાદળછાયા વાતાવરણને કારણે મચ્છરજન્ય, ઋતુજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો હોય એક સપ્તાહમાં વિવિધ રોગચાળાના ૧૫૨૫ કેસ નોંધાયા છે.
વિશેષમાં મહાપાલિકાએ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર, રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યૂનો એક, શરદી ઉધરસના ૬૬૮, તાવના ૬૬૪, ઝાડા ઉલ્ટીના ૧૯૦ અને ટાઈફોઈડના બે કેસ મળી આવ્યા છે.
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રોગચાળો કાબૂમાં લેવા ૮૯,૨૬૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા મચ્છરના ઉપદ્રવની ફરિયાદોને પગલે ૫૮૪ ઘરોમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેંગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૮૧ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરીને જ્યાં મચ્છર કે લાર્વા જોવા મળ્યા તેવા ૨૧૨ રહેણાંક અને ૬૧ કોર્મશીયલ સંકુલો મળી કુલ ૨૭૩ને નોટીસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સર્વેલન્સ અંતર્ગત કુલ ૧,૭૭,૬૮૧ જેટલી વસ્તીનો સર્વે કરીને કુલ ૪,૩૬૨ જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ ૭૯૨ જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને કુલ ૨,૩૪૦ જેટલા આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યા હતા.