BREAKING NEWS

રા.લો. સંઘની ચૂંટણી પૂર્વે પ્રદેશ ભાજપમાં ફરિયાદો, પ્રશાંત કોરાટ-અરવિંદ રૈયાણીની તરફેણમાં રાજકોટના મેયર પણ હરકતમાં આવ્યા: ગોંડલથી પણ સમજાવટના ફોન શરૂ

  • August 31, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણી આડે હવે માંડ આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે મતદારોને તરફેણમાં ખેંચવા સમજાવટના અંતિમ તબક્કાના પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન ચૂંટણી લડી રહેલા ભાજપના બન્ને જૂથ પૈકી જિલ્લાના અમુક આગેવાનો રાદડિયા જૂથ તરફી કામગીરી કરી રહ્યાની પ્રદેશમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથના ચેરમેનપદના દાવેદાર નીતિન ઢાંકેચા સામે ચૂંટણી લડી રહેલા ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટના નિકટત્તમ અને ચેરમેનપદના દાવેદાર અરવિંદ રૈયાણીના જૂથ દ્વારા પ્રદેશ ભાજપમાં એવા મતલબની ફરિયાદ કરવામાં આવી હતી કે ભાજપના અમુક આગેવાનો તેમની વિરૂધ્ધમાં કામ કરી રહ્યા છે ! આવી ફરિયાદોને પગલે ગરમાગરમી થઇ હતી.

રા.લો.સંઘની ચૂંટણીમાં હવે રાજકોટના મેયર ડો.નેહલ શુક્લ પણ હરકતમાં આવ્યા છે અને લાગતા વળગતાઓના સંપર્ક કરવાના શરૂ કર્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. મેયર ડો.નેહલ શુક્લ અને પ્રશાંત કોરાટ બન્ને ગાઢ મિત્રો હોય તેઓ પ્રશાંત કોરાટ અને અરવિંદ રૈયાણી તરફે કામે લાગ્યા છે.

આ ઉપરાંત રા.લો.સંઘની ચૂંટણીમાં બધું સમું સુતરૂ પાર પાડવા માટે હવે ગોંડલથી પણ સમજાવટ માટેના ફોન શરૂ થયા હોવાનું ચર્ચાય રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં પણ અંતિમ નિર્ણય ગોંડલથી જ થયો હતો. ગત ચૂંટણીમાં પણ ચેરમેનપદ માટે ભાજપના તત્કાલિન ધારાસભ્ય અરવિંદ રૈયાણીના જૂથ અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથ વચ્ચે જંગ ખેલાયો અને અંતે ગોંડલ ખાતે નક્કી થયેલી સમાધાનની ફોર્મ્યુલા મુજબ બન્નેમાંથી કોઇ જૂથના ન હોય તેવા ત્રીજા નામની ચેરમેનપદ માટે પસંદગી કરાઇ હતી.


રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી દૂરોગામી અસરો ચાર મહિના બાદ યોજાનારી યાર્ડની ચૂંટણીમાં થશે

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઇ હાલ જિલ્લાના આગેવાનો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. સંઘની ચૂંટણીનું જે કંઇ પરિણામ આવે તે પરંતુ આ ચૂંટણીની દૂરોગામી અસરો ચાર મહિના બાદ જાહેર થનારી રાજકોટ સહિતના માર્કેટ યાર્ડોની ચૂંટણીમાં આવશે તેમ મનાય રહ્યું છે. આગામી ડિસેમ્બરમાં રાજકોટ માર્કેટ યાર્ડ સહિત જિલ્લાના અનેક યાર્ડના બોર્ડની મુદ્દત પૂર્ણ થઇ રહી હોય ચૂંટણીના પડઘમ વાગશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News