જામનગરમાં જીએસટીની આડેધડ નોટીસથી ઉદ્યોગકારો આગબબૂલા
રોષ: ધારાસભ્ય અને જીએસટી ડેપ્યુટી કમિશનરની ઉપસ્થિતિમાં મળેલી એસોસીએશનોની બેઠકમાં કાયદાની ગૂંચવણોના સવાલોનો મારો ચાલ્યો
ઉધોગકારોએ કહ્યું હવે અમારે તૈયાર માલ કોને વેચવો?: ઉકેલ નહીં આવે ઉગ્ર આંદોલનની ચિમકી: ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સમસ્યાના કાયમી નિરાકરણની ખાતરી
જામનગરમાં જીએસટીની આડેધડ નોટીસથી ભારે રોષે ભરાયેલા ઉધોગકારોની ના પ્રશ્ર્નોના નિવારણ માટે ફેકટરી ઓનર્સ એસોસીએશન, ચેમ્બર ઓફ કોમર્સ અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન ફેસ-૨ દ્રારા યોજાયેલી મીટીંગમાં ઉધોગકારોએ કાયદાની ગુંચવણોના સવાલોનો મારો ચલાવી અમારે તૈયાર માલ કોને વેંચવો તેવી હૈયાવરાળ ઠાલવી હતી. આટલું જ નહીં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય દીવ્યેશ અકબરીએ સમસ્યાના કાયમી નિરાકરણની ખાતરી આપી હતી.
જામનગરના બ્રાસ ઉદ્યોગ સહિતના અન્ય લઘુ અને મધ્યમ ઉદ્યોગો જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતી આડેધડ અને અકારણ નોટિસોથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ, ફેકટરી ઓનર્સ એસોસીએશન અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન ફેસ-૨ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ સંતોષકારક નીરાકરણ આવ્યું ન હતું. અત્રે નોંધનીય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દીવ્યેશ અકબરીએ ઉચ્ચકક્ષાએ ઉધોગકારોને પડતા પ્રશ્ર્નના કાયમી નિરાકરણ માટે ચોકકસ નીતિ અને માર્ગદર્શીકા બનાવવા રજૂઆતો કરી હતી. આ સંબધે તથા વર્તમાન સ્થિતિની ઉધોગકારોને અવગત કરાવવા ઉપરોકત ત્રણેય સંસ્થાના સંયુકત ઉપક્રમે શનિવારે ધારાસભ્યની મીટીંગ યોજાઇ હતી. મીટીંગમાં જીએસટીની આડેધડ નોટીસથી રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ બેઠકમાં જીએસટીના અધિકારીઓ પર પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો હતો.
એક કારખાનેદારે મિટિંગમાં વેધક સવાલ કર્યો હતો કે, "અત્યાર સુધી ખરીદીમાં તમે કહેતા હતા કે ખોટી વેરાશાખ લીધી છે, પરંતુ હવે કાયદેસર વેચાણમાં પણ અમારે કેમ બચવું? હવે અમારે અમારો તૈયાર માલ કોને વેચવો?" આવા અનેક સવાલોથી મિટિંગનું વાતાવરણ એક સમયે એટલું ઉગ્ર બની ગયું હતું કે ઉપસ્થિત ધારાસભ્યને પણ વારંવાર ઉદ્યોગકારોને શાંત પાડવા અને બેસાડવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બેઠકમાં જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જીએસટીના ડેપ્યુટી કમિશનર હિતેશ દેસાઈ, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા, ચેમ્બરના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ફેકટરી ઓનર્સ એસોસીએશનના મંત્રી મેહુલભાઈ જોબનપુત્રા અને જિગ્નેશભાઈ લાવટી તથા શંકર ટેકરી, દરેડ જીઆઇડીસી ફેઝ-૨ અને ફેઝ-૩ તેમજ કનસુમરાના નાના-મોટા કારખાનેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત હતા. ઉદ્યોગકારોના આક્રોશને પારખી ગયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કેે, તેઓ પોતે પણ બ્રાસના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી ઉદ્યોગકારોની મુશ્કેલીઓ સમજે છે. તેમણે ખાતરી આપી હતી કે, મંત્રીઓના સુચન મુજબ સ્થાનિક ડેપ્યુટી કમિશનર સાથે બેઠક કરી તમામ વિગતો મેળવ્યા બાદ, ઉચ્ચ સ્તરે રાજ્યના જીએસટી કમિશનર અને જામનગરના ઉદ્યોગકારોની એક સંયુક્ત બેઠક યોજીને ખોટી રીતે પડતી નોટિસોનું કાયમી સમાધાન લાવવામાં આવશે. બીજી તરફ, મિટિંગમાં ઉપસ્થિત જીએસટીના ડેપ્યુટી કમિશનર હિતેશ દેસાઈએ જણાવ્યું હતું કે, નોટિસ અંગેની કોઈ પણ મૂંઝવણ કે ચોક્કસ જાણકારી માટે તેઓ સીધી જ જીએસટી કચેરીની મુલાકાત લઈ શકે છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આટીસી) મેળવવા માટેની આ અત્યંત મહત્વપૂર્ણ શરત છે. સરળ શબ્દોમાં કહીએ તો, ખરીદનારને તે માલ કે સેવા પરની આઈટીસી ત્યારે જ મળવાપાત્ર થાય છે, જ્યારે સપ્લાયર (વેપારી) દ્વારા તે ટેક્સ ખરેખર સરકારની તિજોરીમાં જમા કરાવવામાં આવ્યો હોય. અધિકારીઓએ ઉદ્યોગકારોના વ્યક્તિગત પ્રશ્નો સાંભળીને તેના કાયદાકીય જવાબો પણ આપ્યા હતાં.