BREAKING NEWS

ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ સરકારે એક વર્ષ લંબાવ્યો, જાણો ક્યારથી અમલમાં આવશે

  • August 31, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી વધુ એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે ગુજરાતમાં વર્ષ ૨૦૧૨થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તેમ કમિશનર ઓફ ફૂડ સેફ્ટીની યાદીમાં જાણ કરવામાં આવી છે.


યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને 'હેમર'ના સંશોધનો મુજબ ગુટખા તેમજ પાન મસાલાનું સેવન કેન્સરકારક છે, જેનાથી મોઢાના કેન્સરનું જોખમ અત્યંત વધી જાય છે. આ ઉપરાંત, ‘ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે’ના અહેવાલ મુજબ દેશમાં ૩૫ ટકા પુખ્ત વયના લોકો તમાકુનું સેવન કરે છે, જેમાં ૨૧ ટકા લોકો ધુમાડા વગરની (સ્મોકલેસ) તમાકુનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે.


આ પ્રતિબંધ કોઈપણ નામે ઓળખાતા તમાકુ કે નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલા પર લાગુ પડશે. આ ઉપરાંત, અલગ-અલગ વેચાતા એવા ઘટકો કે જેના મિશ્રણથી અંતિમ ઉત્પાદન તરીકે ગુટખા કે પાન મસાલા તૈયાર થતા હોય, તેના પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર વર્ષ ૨૦૧૨થી આ પ્રતિબંધનો સતત અમલ કરી રહી છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs) ની રજૂઆતોને ધ્યાને રાખીને, આ પ્રતિબંધ  તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૭ સુધીના વધુ એક વર્ષના સમયગાળા માટે લંબાવવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application