BREAKING NEWS

હાલારવાસીઓ મુંઝાતા નહિં, આવશે નર્મદાના નીર: મુખ્યમંત્રીનો નિર્ણય

  • August 31, 2026 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારવાસીઓ મુંઝાતા નહિં, આવશે નર્મદાના નીર: મુખ્યમંત્રીનો નિર્ણય

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં પ્રથમ પીવાના પાણીને પ્રાધાન્ય બાદ બાકી રહેતો જથ્થો સિંચાઇ માટે અપાશે:

રણજીતસાગર, સસોઇ, ઘી અને અન્ય જળાશયો, તળાવ, ચેકડેમમાં નર્મદા ડેમમાંથી પાણીની ઉપલબ્ધીના આધારે સૌની યોજના હેઠળ નીર ઠલવાશે

સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર જિલ્લાના નાગરિકો તથા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે.આમ છતાં, દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-૨ જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે.  

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-૧ મારફતે ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરૂ પાડવામાં આવશે. રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેમજ સિંચાઈ માટે પણ મોટી રાહત મળી રહેશે. 

અત્રે નોંધનીય છે કે, હાલારના બંને જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ થયો હોય સિંચાઇ વિભાગ હેઠળના જળાશયો તથા મોટા ચેકડેમ, તળાવો ખાલી હોય ઉંડ જળસિંચન વિભાગ જામનગર દ્વારા વરદાનરૂપ સૌની યોજના હેઠળ જુલાઇ અને ઓગષ્ટ મહીનામાં જામનગર જિલ્લામાં લીંક ૧ પેકેજ ૩, પેકેજ ૪ તથા પેકેજ ૫ અંતર્ગત વિવિધ પમ્પીગ સ્ટેશન દ્વારા પમ્પીંગ કરી અંદાજે ૧૧૫૦ એમસીએફટી પાણીનું પમ્પીંગ કરાયું છે. પાણીનું પમ્પીંગ કરી મુખ્યત્વે જામનગર જિલ્લાને પીવાનું પાણી પુરૂ પાડતા ઉંડ-૧ ડેમમાં અંદાજે ૧૫૦ એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાયો છે. તદઉપરાંત પમ્પીંગ દ્વારા ધ્રોલ તાલુકાના અંદાજે ૨૨ જેટલા ગામોના ૩૭ ચેકડેમ, તળાવ, જામનગર તાલુકાના ૩૧ ગામોના ૬૬ જેટલા ચેકડેમ, તળાવ,લ લાલપુર તાલુકાના ૧૬ ગામના ૩૦ જેટલા ચેકડેમ, તળાવને સૌથી યોજનાના પાણીથી ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 

જયારે હમાપર નાની સિંચાઇ યોજના, ગઢડા નાની સિંચાઇ યોજના તથા જગા નાની સિંચાઇ યોજનાને પણ સંપૂર્ણપણે ભરી દેવામાં આવી છે. હાલમાં ઉકત પમ્પીંગ દ્વારા જામનગર જિલ્લાને પાણી પુરૂપાડતા રણજીતસાગર, સસોઇ ડેમ અને દ્વારકા જિલ્લાને પીવાનું ૫ાણી પુરૂ પાડતા ઘી ડેમ તથા સૌની યોજનાથી જોડાયેલા અન્ય ડેમ અને બંને જિલ્લાના બાકી રહેતા તળાવ, ચેકડેમમાં જરૂરિયાતના આધારે નર્મદા ડેમમાંથી પાણીની ઉપલબ્ધીના અધારે સૌની યોજના થકી પાણી ઠાલવવામાં આવશે તેમ ઉંડ જળસિંચન વિભાગના કાર્યપાલક ઇજનેર પી.એમ.ભોજાણીએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application