દ્વારકા જિલ્લા કલેકટરએ નાયબ કલેકટરનો હુકમ રદ કરી કેસ નવેસરથી ચલાવવા આદેશ કર્યો
દ્વારકા જિલ્લા કલેકટરએ નાયબ કલેકટરનો હુકમ રદ કરી કેસ નવેસરથી ચલાવવા આદેશ કર્યો
August 31, 2026 01:59 PM
દ્વારકા જિલ્લા કલેકટરએ નાયબ કલેકટરનો હુકમ રદ કરી કેસ નવેસરથી ચલાવવા આદેશ કર્યો
દ્વારકા જિલ્લા કલેકટર કચેરી દ્વારા જમીનનાં વારસાઇ હકક અને મહેસુલી એકરમાં વારસદારનું નામ દાખલ કરવાના મુદે એક મહત્વપુર્ણ હુકમ કરવામાં આવ્યો છે. ખંભાળીયા તાલુકાનાં મોજે ચારબારા ગામની ખેતીની જમીન અંગે ચાલેલા રેવન્યુ વિવાદમાં જિલ્લા કલેકટરે નાયબ કલેકટર ખંભાળીયા દ્વારા કરવામાં આવેલા હુકમને રદ કરી અરજદારને જરૂરી આધાર, પુરાવા રજુ કરવાની તક આપી કાયદા, ઠરાવો તથા પરિપત્રની જોગવાઇઓ ઘ્યાનમાં લઇને કેસનુ નવેસરથી નિર્ણય કરવા નાયબ કલેકટર ખંભાળીયાને રીમાન્ડ કરવાનો મહત્વપુર્ણ હુકમ કર્યો છે.
આ કેસ ખંભાળીયા તાલુકાના મોજે ચારબારા ગામની રેવન્યુ સર્વે નં. ૧૧૩ પૈકી ૨ તથા ૧૪૦ પૈકી ૨ ની જમીન અંગેનો છે. રેકર્ડ આ જમીન મુળ વરજંગજી વિસાજી જાડેજા સહિત અન્ય સહ ખાતેદારોના સંયુકત ખાતામાંથી વરજંગજી વિસાજી જાડેજાનું અવસાન થયા બાદ તેમના વારસદારોના નામે વારસાઇ નોંધ દાખલ કરવામાં આવી હતી, અરજદારનો મુખ્ય આક્ષેપ એવો હતો કે તેઓ પણ મૃતકના કાયદેસર સીધી લીટીના વારસદાર હોવા છતાં વારસાઇ નોંધમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું ન હતું, ત્યારબાદ જમીન સંબંધે વહેંચણી નોંધ દાખલ થઇ હતી. અરજદારનો દાવો હતો કે આ આનુસંગિક નોંધમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું ન હતું અને તેમના કાયદેસરના હિસ્સાને ઘ્યાનમાં લેવામાં આવ્યો ન હતો.
કેસની સુનવણી દરમ્યાન સામેવાળા નં.૬ થી ૧૦ તરફથી રજુઆતો કરવામાં આવી હતી. જેને આધારે નાયબ કલેકટર ખંભાળીયાના હુકમમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય હોવાનું ઠરાવવામાં આવ્યું. કલેકટરે કોર્ટ અરજદારની અપીલ મંજુર કરી નાયબ કલેકટરનો હુકમ રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કેસમાં અરજદાર ક્રિષ્નાબા વરજંગજી જાડેજા તરફે જામનગરના યુવા એડવોકેટ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા, સતીશ આર નકુમ તેમજ સનિરાજસિંહ એચ. જાડેજા રોકાયા હતા.