BREAKING NEWS

ખંભાળિયામાં આગામી તા. ૧૪ થી ૧૭ પરંપરાગત શિરેશ્ર્વર લોકમેળો

  • August 31, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં આગામી તા. ૧૪ થી ૧૭ પરંપરાગત શિરેશ્ર્વર લોકમેળો

બુધવારે પ્લોટોની થશે જાહેર હરાજી: રખપાંચમના મેળાનું શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આયોજન

ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં રખ પાંચમના પરંપરાગત લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૪ થી ૧૭ સપ્ટેમ્બર સુધી ચાર દિવસીય લોકમેળામાં વિવિધ પ્રકારના પ્લોટની જાહેર હરાજી બુધવાર તા. ૨ સપ્ટેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે.

ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયતમાં સ્થિત શ્રી શિરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મીની તરણેતરનો ઉપમા પામેલા આ રખ પાંચમના મેળાનું આયોજન શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૪ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બરના ચાર દિવસ સુધી શિરેશ્વર મહાદેવ મંદિર નજીક યોજાયેલા આ લોકમેળા દર વર્ષની જેમ વર્ષે પણ સમગ્ર જિલ્લાના મેળા શોખીનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ લોકમેળામાં સૌરાષ્ટ્ર, ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી વિવિધ પ્રકારના ચકડોળ, ફજરફાળકા, મનોરંજનના સાધનો, રમકડા, ખાણીપીણીના સ્ટોલ, વિગેરેના સંચાલકો અહીં લોકોને મોજ કરાવશે. ત્યારે આ લોકમેળા નજીકના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા નાના-મોટા પ્લોટ માટેની જાહેર હરાજી બુધવાર તા. બીજી સપ્ટેમ્બરના રોજ ટીડીઓ કચેરી, પ્રાંત કચેરીના અધિકારી સ્ટાફની ઉપસ્થિતિમાં સવારે ૯ વાગ્યાથી મેળાના સ્થળે યોજવામાં આવનાર છે.

આ સમગ્ર આયોજન માટે ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ નાગલબેન ભીખુભાઈ ધારાણી તેમજ તલાટી કમ મંત્રી પી.ડી. વિંઝુડા વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application