રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલો અજય પરસોંડા નામનો કુખ્યાત આરોપી પોલીસ વેનમાં બેસાડતી વખતે તકનો લાભ લઈને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે અને નાસભાગની સ્થિતિ સર્જાઈ ગઈ છે.
ફરાર થયેલા આરોપી અજય પરસોંડા સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. તેની વિરુદ્ધ લૂંટ, ચીલઝડપ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 25 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે આ આરોપી અગાઉ પણ અનેક વખત પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ચૂક્યો છે. અગાઉ વર્ષ ૨૦૧૮ દરમિયાન પણ તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હોવાનો ઇતિહાસ ધરાવે છે.
મળતી માહિતી મુજબ, આજે અજય પરસોંડાને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પોલીસ બંદોબસ્ત હેઠળ નિયમિત મેડિકલ ચેકઅપ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ્યારે પોલીસકર્મીઓ તેને પરત પોલીસ વેનમાં બેસાડી રહ્યા હતા, તે જ સમયે તેણે પોલીસને ચકમો આપ્યો હતો અને રફુચક્કર થઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી હાજર પોલીસ કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
કુખ્યાત આરોપી પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટતા જ ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાલ ચાલુ છે. શહેરભરમાં નાકાબંધી કરીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વિશેષ ટીમો કામે લગાડી છે અને તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.