BREAKING NEWS

ધનતેરસે જ સોના-ચાંદીમાં મોટો કડાકો: ખરીદી કરતા પહેલા ચેક કરો 24-22 કેરેટ ગોલ્ડના ભાવ!

  • November 06, 2026 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક દિવસોથી કીમતી ધાતુઓમાં સતત તેજી જોવા મળી રહી હતી, પરંતુ આજે શુક્રવારે ધનતેરસના પવિત્ર દિવસે જ બુલિયન માર્કેટ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે અચાનક તીવ્ર કડાકો નોંધાયો છે. તહેવારના માહોલ વચ્ચે બજાર ખુલતાની સાથે જ નફારૂપી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સંકેતોને કારણે સોના અને ચાંદીના ભાવ ગગડી જતાં રોકાણકારો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


ચાંદીના વાયદા બજારની વિગતો જોઈએ તો, ગુરુવારનું જૂનું ક્લોઝિંગ રૂ.૧,૮૭,૧૪૦ પર બંધ રહ્યું હતું. આજે શુક્રવારે બજાર ખુલતાં જ ચાંદી રૂ.૧,૮૫,૪૯૯ ની સપાટીએ ઓપન થઈ હતી, જે આજના દિવસનો હાઈ પણ સાબિત થયો હતો. જોકે, ખુલ્લા બજારે અચાનક જ જોરદાર વેચવાલીનું દબાણ વધતાં ચાંદી ગગડીને પ્રતિ કિલોએ રૂ.૧,૮૩,૭০০ ની નીચલી સપાટીએ પહોંચી ગઈ હતી. આમ, અગાઉના દિવસના બંધ ભાવ સામે ચાંદીમાં એક જ ઝાટકે રૂ.૩,૪૪૦ નો મોટો ઘટાડો નોંધાયો છે.


બીજી તરફ સોનાના વાયદામાં પણ પ્રારંભિક કારોબાર દરમિયાન મોટું ગાબડું પડ્યું છે. સોનાનું ગઈકાલનું ક્લોઝિંગ રૂ.૧,૪૪,૦૯૫ હતું, જેની સામે આજે શુક્રવારે સોનાનું ઓપનિંગ રૂ.૧,૪૨,૧૬૧ પર સાવ નબળું થયું હતું. વેપાર આગળ વધતા સોનું થોડું સુધરીને રૂ.૧,૪૨,૬૦૧ ના હાઈ સુધી ગયું હતું, પરંતુ મંદીવાળાઓની સખત પકડ અને ભારે વેચાણને કારણે સોનું ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૧,૪૧,૮૦૮ ની નીચલી સપાટીએ સરકી ગયું હતું. આ સાથે જ સોનામાં પણ અગાઉના બંધ ભાવની તુલનાએ રૂ.૨,૨૮૬ નો તીવ્ર ઘટાડો દરજ્જ થયો છે.


બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં બદલાતી પરિસ્થિતિ, ડોલર ઇન્ડેક્સની ચાલ અને વેપારીઓ દ્વારા કરવામાં આવી રહેલા 'પ્રોફિટ બુકિંગ' (નફો રળવા માટેની વેચવાલી) ને કારણે કીમતી ધાતુઓમાં આ અણધારી નરમાઈ જોવા મળી રહી છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવ ઘટવાથી એક તરફ સામાન્ય ગ્રાહકોને ખરીદીમાં રાહત મળી શકે છે, તો બીજી તરફ ઊંચા ભાવે ખરીદી કરનારા રોકાણકારો માટે આજના આ તીવ્ર કડાકાએ ચિંતા વધારી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application