ગુજરાતમાં હાલ કોઈ અસરકારક વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ ધીમે-ધીમે ઓસરતો જોવા મળી રહ્યો છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માત્ર 27 તાલુકામાં જ હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો હતો. જ્યારે શુક્રવારે સવારે ચીખલી અને વઘાઈ વિસ્તારમાં એકાદ-બે હળવા ઝાપટાં સિવાય સમગ્ર રાજ્યમાં આકાશ વાદળછાયું હોવા છતાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નહોતો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાના પ્રથમ તબક્કામાં પડેલી વરસાદની મોટી ખાધ બાદ છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતા વધી છે. વાવેતર બાદ પાકને જીવનદાયી વરસાદની તાતી જરૂરિયાત વચ્ચે હવે ખેડૂતોની નજર બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં નવી વરસાદી સિસ્ટમ સર્જાય તેની તરફ મંડાઈ છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના તાજેતરના બુલેટિન મુજબ હાલ મોનસૂન ટ્રફ ફિરોઝપુર, રોહતક, શાહજહાંપુર, કાનપુર, ડાલ્ટનગંજ અને દિઘા થઈને પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. ઉપરાંત પશ્ચિમી વિક્ષેપ ઉપરના સ્તરે સક્રિય છે, જ્યારે ગુજરાત વિસ્તારમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે રાજ્યમાં વરસાદને વેગ આપે તેવી કોઈ મજબૂત સિસ્ટમ હાલ ઉપલબ્ધ નથી.
હવામાન વિભાગની તા. 13 ઓગસ્ટ સુધીની આગાહી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સ્થળ અને દિવસ પ્રમાણે વરસાદની ગતિવિધિમાં વધારો-ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સમગ્ર આગાહી અવધિ દરમિયાન માત્ર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે આગામી પાંચ-છ દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક અથવા ભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી.
બીજી તરફ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ગતિવિધિ સક્રિય રહેવાની શક્યતા હોવાથી ત્યાં વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર-કચ્છની સરખામણીએ વધુ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.