સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 121 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ થયો છે. પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુકાયો હતો અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 60 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી.
સ્ટેટ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના 121 તાલુકામાં વરસાદ થયો છે. વાવ થરાદ જિલ્લામાં ભાભર મહેસાણા જિલ્લામાં બેચરાજી વડનગર વિજાપુર ઊંઝા બનાસકાંઠા જિલ્લામાં વડગામ અમીરગઢ દાંતીવાડા દાતા અમદાવાદ જિલ્લામાં ધંધુકા દેત્રોજ બાવળા પાટણ જિલ્લામાં સિધ્ધપુર સાંતલપુર રાધનપુર સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા વડાલી સહિતના તાલુકાઓમાં વરસાદ થયો છે. જોકે સૌરાષ્ટ્ર કચ્છની સરખામણીએ ગુજરાતમાં વરસાદનું જોર ઓછું હતું.
હવામાન ખાતાએ આજે પણ સૌરાષ્ટ્ર કચ્છ માટે તોફાની પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી કચ્છ રાજકોટ જુનાગઢ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ માટેનું યેલ્લો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ છૂટા છવાયા સ્થળોએ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
ખેતીવાડી વિભાગે જાહેર કર્યા ટોલ ફ્રી નંબર
આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે સૌરાષ્ટ્રમાં હજુ માવઠાની શક્યતા દર્શાવવામાં આવી હોવાથી ખેતીવાડી વિભાગે પણ ખેડૂતોને પોતાનો માલ વ્યવસ્થિત રીતે સાચવીને રાખવા અને જરૂર પડયે નજીકના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અથવા તો તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક સાધવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 નો સંપર્ક સાધવા માટે પણ અનુરોધ કરાયો છે.
ગરમી ગાયબ, વાતાવરણમાં ઠંડક
ગઈકાલે બપોર સુધી ગરમી હતી પરંતુ વાતાવરણમાં પલટો આવતાની સાથે અને માવઠું શરૂ થતા તાપમાનનો પારો એકદમ નીચે ઉતરી ગયો હતો. રાજકોટમાં ગઈકાલનું મહત્તમ તાપમાન 35.7 ડીગ્રી ભાવનગરમાં 33.8 દ્વારકામાં 30.4 કંડલામાં 32.6 નલિયામાં 30.4 ઓખામાં 29 પોરબંદરમાં 31.5 અને વેરાવળમાં 30.8 ડિગ્રી મહત્તમ તાપમાન હતું. આજે લઘુતમ તાપમાન પણ મોટાભાગના સેન્ટરોમાં 20 ડિગ્રીથી નીચે હતું. ભુજ નલિયા કંડલા દ્વારકા ઓખા પોરબંદર રાજકોટ સુરત વેરાવળ સહિત અનેક જગ્યાએ ભેજનું પ્રમાણ 85 થી 90 % પહોંચી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.