BREAKING NEWS

ઓસમાણ મીરની રચના 'કટારી કાળજે વાગી' નવા અવતારમાં લોન્ચ: શ્રેયા ઘોષાલ અને આમિર મીરના સુરીલા અવાજથી લોકો મંત્રમુગ્ધ થશે

  • July 19, 2026 06:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી ગઝલ જગતની અમર રચના 'કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે' હવે નવા અવતારમાં આજે લોન્ચ થઈ છે. ઓસમાણ મીરની ઓફિસિયલી યુ-ટ્યુબ ચેનલ પર આજે આ રચના રિલીઝ કરવામાં આવી છે. જેમાં બોલીવૂડની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલે પ્રથમ વખત ગુજરાતી ગઝલમાં પોતાનો સૂર રેલાવ્યો છે. તેમની સાથે ઓસમાણ મીરના પુત્ર, યુવા ગાયક આમિર મીરે પણ અવાજ આપ્યો છે.


શ્રેયા ઘોષાલની ગુજરાતી ગઝલમાં ડેબ્યૂ  

અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાનાર શ્રેયા ઘોષાલ માટે આ ગુજરાતી ગઝલ ક્ષેત્રે પહેલું પગલું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ કલાકારનો અવાજ જ્યારે 'કટારી કાળજે વાગી' સાથે જોડાયો ત્યારે ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે આ ગર્વની ક્ષણ બની ગઈ છે.


આમિર મીર: વારસાને આગળ ધપાવતો યુવા સૂર  

સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીરના પુત્ર આમિર મીર હવે ગુજરાતી સંગીતમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. બાળપણથી જ પિતા પાસેથી સંગીતના સંસ્કાર પામેલા આમિરે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. 'કટારી કાળજે વાગી' જેવી ઐતિહાસિક રચનામાં શ્રેયા ઘોષાલ જેવા દિગ્ગજ કલાકાર સાથે આમિરનો અવાજ ગઝલને ચાર ચાંદ લગાવે છે. આમિરનો મીઠો અને સુરીલો અવાજ આ ગઝલને યુવા પેઢી સાથે જોડવામાં મહત્વનો ભાગ ભજવશે. 


આમિર તેમના પિતા ઓસમાન મીર સાથે ઘણા બધા આલ્બમો જેવા કે 'હૈ જિંદગી કિતની ખુબસુરત', 'તેરે જૈસા કોઈ મિલા નહીં', 'બે દર્દી તેરે પ્યાર મૈં' જેવા અનેક આલ્બમોમાં પોતાનો કંઠ આપ્યો છે. અને તે આલ્બમો ખૂબ જ પ્રચલિત છે. બોલીવુડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ ના અનેક નામી મ્યુઝિક ડાયરેક્ટર જેવા કે અમિત ત્રિવેદી જોડે મારી માવડી અને ઢોલ તેમજ સચિન જીગર સાથે ખૂણેથી ખૂણેથી જે ખૂબ જ લોકપ્રિય થયેલું અને તાજેતરમાં રાહુલ મુંજારીયા સાથે કાળી કાળી આંખો વાડી જે અત્યારે ખૂબ જ વાઇરલ ગીત છે, તેમજ સોની મ્યુઝિક કંપની સાથે ઘણા બધા કવર ગીતો કરેલા છે, જેમાંથી "તું હે તો દિલ ધડકતા હૈ" જે ખૂબ જ વાયરલ ગીત છે. એ જ રીતે વારસોમાં તેણે પ્રિય સરૈયા સાથે કચ્છી ગીત "માની" કર્યું હતું તે પણ ખૂબ પ્રચલિત છે. 

આ ઉપરાંત 15થી વધુ ગુજરાતી પિક્ચરોમાં આમિરે પ્લેબેક કરેલું છે. આમિર ઘણા બધા ગીત કમ્પોઝ પણ કરેલા છે જેમાં પોતે જ કંઠ આપેલો છે જેવા કે લોટા દો મેરે યાર, મુજે કુછ કહેના હૈ, ખુદ હે ફના, યે જો રાત હૈ,જીયારા જેવા ઘણા ગીતો છે. 


25 વર્ષ જૂની યાદ, લોકમુખે 'ટ્રેડિશનલ' બની ગયેલી રચના  

આ ગઝલનો ઇતિહાસ 25 વર્ષ જૂનો છે. અંજારના કવિ વિનોદ માણેક 'ચાતક' દ્વારા લખાયેલી આ રચનાને ઓસમાણ મીરે રાગ ચારુકેશીમાં કંપોઝ કરીને સ્વરબદ્ધ કરી હતી.

આ ગઝલ એટલી બધી લોકપ્રિય થઈ કે ખાલી ગુજરાત જ નહીં પણ ભારતભરના ગાયક કલાકારો તેને પોતાના કંઠે ગાઈ ચૂક્યા છે. 

ઘણા શ્રોતાઓ આ ગઝલને એટલી વખત સાંભળી ચૂક્યા છે કે તેઓ તેને કોઈ જૂની પરંપરાગત કે 'ટ્રેડિશનલ' રચના સમજી બેસે છે. જ્યારે હકીકતમાં તેને ઓસમાણ મીરે  25 વર્ષ પહેલાં જ સર્જી હતી.


નવી પેઢી, નવો સૂર, નવું સંગીત  

આ ઐતિહાસિક ગઝલને શ્રેયા ઘોષાલ અને આમિર મીરના સંયુક્ત સ્વરે નવું પરિમાણ મળ્યું છે. આ નવા અવતારમાં સંગીતની જવાબદારી જાણીતા સંગીતકાર અતુલ રાણીંગાએ નિભાવી છે. અતુલ રાણીંગાએ ગઝલના મૂળ ભાવને અકબંધ રાખીને અત્યંત સૂરીલું અને હૃદયસ્પર્શી સંગીત આપ્યું છે. તેમના સંગીતમાં પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય જોવા મળે છે. ઓસમાણ મીરના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલી આ પ્રસ્તુતિ જૂની યાદોને તાજી કરવાની સાથે નવી પેઢીને પણ ગુજરાતી ગઝલની મીઠાશથી જોડશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application