BREAKING NEWS

ગુજરાતમાં મકાન માલિક-ભાડૂઆત વચ્ચે નવા નિયમો આવશે, લેખિતમાં ભાડા કરાર વગર પ્રોપર્ટી ભાડે આપી શકાશે નહીં

  • September 03, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં મકાન માલિકો અને ભાડૂઆતો વચ્ચેના સંબંધોને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાના ચોમાસુ સત્રમાં એક મહત્વપૂર્ણ વિધેયક લાવવામાં આવનાર છે. આ નવા પ્રસ્તાવિત કાયદા મુજબ હવેથી કોઈપણ મકાન કે જગ્યા લેખિતમાં ભાડા કરાર કર્યા વિના ભાડે આપી શકાશે નહીં કે લઈ શકાશે નહીં. શહેરી વિસ્તારોમાં મકાન ખાલી રહેતા મકાન માલિકોમાં વિશ્વાસ ઊભો થાય અને ભાડાના વિવાદો ઝડપથી ઉકેલાય તે માટે આ મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે.

નવા વિધેયક અને પ્રસ્તાવિત નિયમોની મુખ્ય વિશેષતાઓમા
લેખિત ભાડા કરાર અનિવાર્ય કરવામાં આવ્યો છે, અત્યાર સુધીના કાયદાની મર્યાદાઓને કારણે અનેક મકાન માલિકો પોતાની મિલકતનો કબજો ગુમાવવાની બીકે મકાનો ખાલી રાખતા હતા. હવેથી લેખિત ભાડા કરાર વિના મકાન ભાડે આપવું કે લેવું ગેરકાયદેસર ગણાશે.

ભાડું ન ચૂકવવાની સ્થિતિમાં કડક જોગવાઈ કરવામાં આવી છે.જો ભાડૂઆત ભાડા કરાર અનુસાર પૂરેપૂરું ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને માસિક ભાડા કરતાં બે ગણી રકમ ચૂકવવાની જવાબદારી રહેશે. આ સાથે મકાન માલિક વીજળી કે પાણી જેવી કોઈ આવશ્યક સેવાઓ અટકાવી શકશે નહીં, પરંતુ કાયદેસરની પ્રક્રિયા દ્વારા મકાન ખાલી કરાવી શકાશે.

ભાડા માટે આપેલી જગ્યામાં જો ખાલી જગ્યાનો સમાવેશ થતો હોય તો તેના માટે ખાસ જોગવાઈ કરાઈ છે. જો સમયસર કરાર રિન્યુ ન થાય અથવા ભાડું ન ચૂકવાય તો મકાન માલિક કાનૂની પ્રક્રિયા હાથ ધરી શકે છે.

ભાડા સત્તાધિકારી, ભાડા કોર્ટ અને ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે ભાડાના વિવાદોના ઝડપી નિવારણ માટે નાયબ કલેક્ટર કે મદદનીશ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીને 'ભાડા સત્તાધિકારી' તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, આદેશ સામે અપીલ કરવા માટે 'ભાડા કોર્ટ' અને 'ભાડા ટ્રિબ્યુનલ' (જિલ્લા ન્યાયાધીશ સ્તરની) ની રચના કરવામાં આવશે.

મકાન માલિક અને ભાડૂઆતની જવાબદારીઓ અને મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.
મકાન માલિકની જવાબદારીમા મકાન માલિકે જરૂરી હોય ત્યારે મુખ્ય નળ સમારકામ, પાઇપ બદલવી, અંદરની અને બહારની વાયરિંગની જાળવણી તેમજ દીવાલોના વ્હાઇટ વોશ અને દરવાજા-બારીઓનું રંગકામ કરાવવાનું રહેશે.

ભાડૂઆતની જવાબદારી અને સમારકામમા ભાડૂઆતે ટેપ વોશર અને નળો બદલવા, ગટર સફાઈ, શૌચાલયનું સમારકામ, રસોડામાં સ્થાપિત વસ્તુઓનું સમારકામ તેમજ દરવાજા, કબાટ અને બારીઓની ફેરબદલી તથા તાળાં-ચાવીનું નિયમિત જાળવણી કાર્ય સંભાળવાનું રહેશે.

ડિપોઝિટ અને પ્રવેશ પર નિયંત્રણ મુદ્દે મકાન માલિકો ત્રણ મહિનાથી વધુ રકમની ડિપોઝિટ લઈ શકશે નહીં. તેમજ કોઈપણ વ્યક્તિ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જગ્યામાં મિલકત માલિકની પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં.આ નવા વિધેયકથી મકાન માલિકો અને ભાડૂઆતો બંનેના હિતોનું રક્ષણ થશે તથા મિલકત સંબંધિત વિવાદોનો ન્યાયિક અને પારદર્શક ઉકેલ આવી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application