ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે. તેમણે 100થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમના નિધન પર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમની અંતિમ યાત્રા આજે સવારે 11.30 વાગ્યે અમદાવાદમાં આંબાવાડી ખાતે આવેલા નિવાસ સ્થાનથી નીકળી હતી ત્યારે સંગીત જગત હીબકે ચઢ્યું હતું.
ગૌરાંગભાઈએ પોતાના સંગીતથી ગુજરાતી કલા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમના અવસાનથી ગુજરાતી સંગીત જગતને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ગૌરાંગ અવિનાશ વ્યાસ એક જાણીતા ભારતીય સંગીતકાર, સંગીત દિગ્દર્શક અને ગાયક હતા, તેઓ મુખ્યત્વે ગુજરાતી સિનેમા અને ગુજરાતી સુગમ સંગીતમાં તેમના મૂલ્યવાન યોગદાન માટે જાણીતા હતા અને તેમના પિતા સુપ્રસિદ્ધ ગુજરાતી સંગીતકાર અને ગીતકાર અવિનાશ વ્યાસ હતા.
ગૌરાંગ વ્યાસનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમને નાનપણથી જ સંગીત પ્રત્યેનો શોખ હતો. તેમની સમૃદ્ધ સંગીત પૃષ્ઠભૂમિથી પ્રેરિત થઈને, તેમણે શાસ્ત્રીય સંગીત સહિત સંગીતમાં શિક્ષણ અને તાલીમ લીધી, જેણે સંગીતકાર, સંગીત દિગ્દર્શક અને ગાયક તરીકેની તેમની કારકિર્દીને આકાર આપવામાં મદદ કરી.
ગૌરાંગ વ્યાસે ગુજરાતી સંગીતની સમૃદ્ધ સંગીત પરંપરા ચાલુ રાખી અને અસંખ્ય ગુજરાતી ફિલ્મો, આલ્બમ્સ અને સ્ટેજ પ્રોડક્શન્સ માટે સંગીત આપ્યું હતું. તેમના નોંધપાત્ર ફિલ્મ સંગીતમાં ભવની ભવાઈ (1981), મણિયારો (1980), નસીબ ની બલિહારી (1982), અને સુપરહીટ ગુજરાતી ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું (2001)' નો સમાવેશ થાય છે.
સંગીત કમ્પોઝ કરવું અને એને ઍરેન્જ (વાદ્યવૃંદ આયોજન) કરવું એ બંને અલગ-અલગ પાસાં છે. ફિલ્મોમાં સંગીત કમ્પોઝ કરનારા અને એનું ઍરેન્જમેન્ટ કરનારાં અલગ-અલગ હોય છે.
ગુજરાતી સુગમ સંગીતના નવી પેઢીના ગાયક પ્રહર વોરા કહે છે, “ગૌરાંગભાઈ એક કમ્પલીટ પેકેજ હતા. સામાન્ય રીતે કમ્પોઝર અને ઍરેન્જર અલગ હોય છે. ગૌરાંગભાઈ પોતે કમ્પોઝર અને ઍરેન્જર બંને હતા. અવિનાશભાઈ પણ પોતે કમ્પોઝર હતા ઍરેન્જર નહોતા. અનેક ઉભરતા કલાકારોને તણે સંગીતનું પ્લેટફોર્મ આપ્યું હતું.
સ્વતંત્ર – એકલ સંગીતકાર તરીકે ગૌરાંગ વ્યાસની પ્રથમ ફિલ્મ ‘લાખો ફુલાણી’ હતી જે 1975માં રજૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે ગુજરાતી પાર્શ્વ ગાયક પ્રફુલ્લ દવેએ સૌ પ્રથમ વખત એ જ ફિલ્મમાં પોતાનું પહેલું ફિલ્મી ગીત ગાયું હતું અને એ ગીત આજે પણ ગુજરાતીઓને હોઠે અને હૈયૈ છે. તે ગીત એટલે ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો….’એ જ ફિલ્મમાં કિશોર કુમાર પાસે તેમણે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત ગીત ગવડાવ્યું હતું. તે ગીત હતું, “ગાવો સૌ સાથે તમને બજરંગબલીની આણ છે.”અભિનેત્રી તરીકે રીટા ભાદુરીની પ્રથમ ફિલ્મ પણ ‘લાખો ફુલાણી’ હતી. એ જ ફિલ્મમાં મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેએ ગાયેલું ‘એક પાટણ શહેરની નાર પદમણી…’ દરેક નોરતામાં ઠેર ઠેર ગવાય છે. તે ફિલ્મનાં ગીતો અવિનાશ વ્યાસે લખ્યાં હતાં.આજે પણ
હુતુતુતુ...જામી રમતની ઋતુ...’ગુજરાતી સુગમ સંગીતના કોઈ પણ કાર્યક્રમમાં આ ગીત મોટે ભાગે ગવાય જ છે.
કોઈ ગીત રમત પર આધારિત હોય અને એનો લય પણ એ રમત જેવો જ હોય એવું કદાચ ગુજરાતી સુગમ સંગીતનું આ પ્રથમ ગીત હશે. સીત્તેરના દાયકામાં આ ગીત મન્નાડે પાસે ગૌરાંગ વ્યાસે ગવડાવ્યું હતું.
હિન્દી ફિલ્મોના જાણીતા ગાયક મન્ના ડેએ જ ગૌરાંગ વ્યાસ પાસે આ ગીત પોતે ગાવાની ઇચ્છા પ્રગટ કરી હતી. એ ગીત પાછળની કહાણી પણ રસપ્રદ છે. ગુજરાતી ફિલ્મોના સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસનું નામ મોટું હતું. મન્ના ડે અવિનાશ વ્યાસનાં સ્વરાંકનોમાં ગીતો ગાવા આવતા હતા.પિતા અવિનાશ વ્યાસ સંગીતકાર હતા. ઘરમાં સંગીતનો માહોલ હતો જે ગૌરાંગભાઈને સંગીત તરફ દોરી ગયો હતો. જોકે, ગૌરાંગ વ્યાસ પિતાની પગદંડીએ સંગીતની દુનિયામાં પ્રવેશ્યા હતા એવું સીધું ન કહી શકાય.
તેઓ મિકેનિકલ એન્જિનિયર થયા હતા અને એન્જિનિયર તરીકે નોકરી પણ કરી હતી. એ સિવાય ઇન્સ્યૉરન્સ કંપનીમાં પણ બે વર્ષ કામ કર્યું હતું.
1961માં દશેરાના દિવસે અમદાવાદમાં ‘શ્રુતિ’ નામની સંસ્થા શરૂ થઈ હતી. શ્રુતિ સાથે રાસબિહારી દેસાઈ, ક્ષેમુ દિવેટીયા જેવા ગુજરાતી સંગીતનાં ગુણીયલ નામો જોડાયેલાં હતાં,‘શ્રુતિ’એ વૃંદગાન – સમૂહગાયનના કેટલાંક સુંદર પ્રયોગો કર્યા હતા.
ગૌરાંગભાઈ શ્રુતિની બેઠકમાં જતા અને ત્યાં હાર્મોનિયમ વગાડતા હતા. ત્યાં જ તેમની અંદરનો સંગીતકાર બેઠો થયો હતો. એ દરમિયાન તેમણે ગીતો સંગીતબદ્ધ કરવાનું શરૂ કર્યું હતું.જે સુર આજે વિલાય જતા સંગીત જગતમા શોક ફેલાયો છે.