મોર બની થનગાટ કરે, લીલી લીંબડી રે, નગારા સંગ ઢોલ બાજે,મોતી વેરાણા ચોકમાં જેવા અનેક ગીતોની ભેટ આપનાર ગુજરાતનું ગૌરવ અને વિશ્વ પ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર તથા તેમના પુત્ર આમિર મીર આજકાલના આંગણે મહેમાન બન્યા હતા. આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી સાથે તેમણે સુખદ સંભારણા વાગોળ્યા હતા તેમજ તેમની આગામી ઇવેન્ટ "મેહફીલ એ-મીર” લાઇવ કોન્સર્ટ વિશે માહિતી આપી હતી.
તા.૫ એપ્રિલે રવિવારે ‘ગાલા ગિગ’ ઇવેન્ટ દ્વારા મોમેન્ટ્સ પાર્ટી પ્લોટ સ્પોર્ટ્સવિલા ગ્રાઉન્ડ, 150 ફૂટ ન્યુ રીંગ રોડ, રાજકોટ ખાતે પિતા પુત્રનો સંયુક્ત કોન્સર્ટ સૌપ્રથમ વખત યોજાશે. આ કોન્સર્ટના ત્રણ કલાકથી વધુના સમયમાં સૂફી, બોલિવુડ, ધાર્મિક, લોકગીત સહિતના ગીતોનો ગુલદસ્તો રજૂ થશે.

ઓસમાણ મીરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો કોન્સેપ્ટ ખૂબ સરસ છે અને આટલા મોટા લેવલ પર રાજકોટમાં પહેલી વાર યોજાવા જઇ રહ્યો છે. આપણા એવા અનેક ગીતો છે જે પરિવારને જોડે છે આજે પારિવારીક સંબંધો તૂટતા જાય છે, સંબંધોની કિંમત નથી રહી ત્યારે ભાઇ બહેન, માતા પિતા, દિકરી સહિત પરિવારના અનેક લોકો પર ગીતો બન્યા છે જેમ કે પુનિત મહારાજે લખ્યું છે કે “મા બાપને ભૂલશો નહિ’ વિવિધ ગીતો વગેરે જેવા ગીતો દ્વારા આપણા પારિવારીક મૂલ્યો કેમ જળવાઇ તે સંગીતની ધરોહર થકી અમે રજૂ કરવાના છીએ.
રાજકોટમાં અમે કોન્સર્ટ સેટઅપમાં કાર્યકમ આપવા માટે ખૂબ જ ઉત્સુક છીએ. લોકોને નવા ગીતો સાંભળવા મળશે તો અમુક કૃતિઓ અલગ અંદાજમાં રજૂ કરીશું. આ ઉપરાંત આમિર દ્વારા ખાસ મેડલી તૈયાર કરવામાં આવી છે.

રાજકોટ તો અમારું ઘર કહેવાય અહી તો સંગીત પીરસવું જ પડે: ઓસમાણ મીર
આ પહેલા આ બંને કલાકારોએ સૂરતમાં બે મુંબઇમાં એક અને લંડનમાં એક કાર્યક્રમ યોજ્યો હતો. આજકાલના આંગણે રાજકોટના લોકો સાથેની પોતાની લાગણીઓ વ્યક્ત કરતા ઓસમાણ મીરે જણાવ્યું હતું કે અગાઉના કાર્યક્રમો દરમિયાન લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યા બાદ રાજકોટ તો અમારું ઘર કહેવાય અહી તો સંગીત પીરસવું જ પડે અને એ જ વિચાર સાથે રાજકોટમાં પણ સંગીતપ્રેમી જનતા માટે અદ્ભુત આયોજન કરાયું.

તું હૈ તો દિલ ધડકતા હૈ ગીતની લોકપ્રિયતા બાદ આમિર મીર સોની મ્યુઝિક સાથે જોડાયા
"તું હૈ તો દિલ ધડકતા હૈ” સોંગ ને જે રીતે આમિરે ગાયું છે અને તેને પ્રતિસાદ મળ્યો હતો કે તેને યુટ્યુબ સહિત વિવિધ ચેનલો પર 70 મિલિયન એટલે 7 કરોડ વ્યુઝ મળ્યા હતા તેથી સોની મ્યુઝિક કંપનીએ તેમનો સંપર્ક સાધ્યો અને હવે સોની મ્યુઝિક પાસે હોય તે જૂના ગીતો અલગ અંદાજમાં રિક્રિએટ થઈને રજુ થશે.

આજકાલ સાથે અમારો પારિવારિક નાતો: પોરબંદરનો મ્યુઝીક કોન્સર્ટ સુખદ સંભારણું
ઓસમાણ મીરે આજકાલના એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી સાથે જૂની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે પોરબંદરમાં આજકાલ દ્વારા આયોજીત ઇવેન્ટમાં સતત ચાર કલાક કોઈપણ બ્રેક વગર સંગીતના સુર રેલાવવાનો અનુભવ અદ્ભુત હતો. કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓની ઉત્સાહભરી હાજરી અને સંગીત પ્રત્યેનો પ્રેમ તેમને સતત પ્રેરિત કરતો રહ્યો હતો. તેમણે ઉમેર્યું કે એ સમયગાળા દરમિયાન પરંપરાગત અને લોકસંગીતના સુરોથી સમગ્ર માહોલ મંત્રમુગ્ધ બની ગયો હતો. આ કાર્યક્રમ માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ સંગીત અને શ્રોતાઓ વચ્ચેનો જીવંત સંવાદ હતો.

આમીર મીરની સંગીતના સુરો સાથે સાત ભાષાઓ પર પકડ
જેમ મોરના ઇંડા ચીતરવા ન પડે તેમ જ પિતાના પગલે ચાલીને પુત્ર આમીર મીરે પણ સંગીતની દુનિયામાં અદ્ભુત પકડ મેળવી છે. હાલ તેઓની સાત ભાષાઓ પર પકડ છે. તમિલ, તેલુગુ, મરાઠી, અંગ્રેજી, પંજાબી, ગુજરાતી, હિન્દીમાં તેઓ વિવિધ ગીતો ગાઈ શકે છે. યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલીયામાં તેઓએ યુવાધનને પોતાના ગીતોનું ઘેલું લગાડ્યું છે.

બૂક માય શો- સ્પોર્ટ વિલા પોર્ટલ ઉપરથી શોની ટિકિટ ઉપલબ્ધ
રાજકોટ ખાતે ‘ગાલા ગિગ” બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરનાર આયોજક એવીનભાઈ અને ધ્રુવીલભાઈએ જણાવ્યુ હતું કે રાજકોટમાં સંગીતની બે પેઢી એક મંચ પર આવી અનેક જમાવટ ભર્યા પારિવારીક ગીતોનો ગુલદસ્તો રજૂ કરશે. જેને માણવા માટે બૂક માય શો અને સ્પોર્ટ વિલા પોર્ટલ ઉપરથી શોની ટિકિટ બૂક કરાવી શકાય છે. વધુ વિગત માટે અને શોના બુકિંગ માટે ૮૮૬૬૨૮૧૯૬૯ તેમજ ૭૫૭૨૮૫૬૭૨૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.