BREAKING NEWS

પહેલાંની સરકારે એમએસપી અંગે ખેડૂતોને દગો દીધો, અહીંના લોકો બટાકામાંથી સોનું બનાવીને જાણે છેઃ પીએમ મોદીનો રાહુલ ગાંધીને ટોણો

  • October 30, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આજે પ્રથમ દિવસે બનાસકાંઠાના ભીલડી ખાતેથી તેઓએ રૂ.14,000 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પહેલા નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો હતો. જેમાં લોકોએ 'મોદી કહી નહીં જાયેગા...હમ તુમ્હારે સાથ હૈ' નારા લાગ્યા હતા. આ ઉપરાંત, પીએમ કિસાન યોજના અંતર્ગત દેશના ખેડૂતો માટે રૂ.19,000 કરોડના 24મા હપ્તાની રકમ પણ જાહેર કરી હતી. બાદમાં જાહેર સભા સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ લઘુત્તમ ટેકાના ભાવ અંગે ખેડૂતોને માત્ર દગા જ દીધા હતા, જ્યારે વર્તમાન સરકારે એમએસપીના તમામ વાયદાઓ સંપૂર્ણપણે પૂર્ણ કર્યા છે. 

બનાસકાંઠાના ભીલડી ખાતે આયોજિત સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોને દેશને મુશ્કેલીમાં જોવામાં આનંદ આવે છે. બનાસકાંઠાના મહેનતુ ખેડૂતોના વખાણ કરતા તેમણે ઉમેર્યું કે, અહીંના લોકો બટાકામાંથી સોનું બનાવી જાણે છે અને પોતાની મહેનતથી સમૃદ્ધિ લાવે છે. અહીં આવીને કોઈ એવું નથી કહેતું કે 'આલુમાંથી સોનું બનાવીશું'. વડાપ્રધાને બનાસકાંઠાના બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટ અને ખેડૂતોની મહેનતને બિરદાવી દેશના વિકાસ માટે સૌને એકજૂથ થઈને આગળ વધવા આહ્વાન કર્યું હતું.


મોદીએ વધુમાં જણાવ્ય હતું કે, સરકારે અત્યાર સુધીમાં 12 લાખ સોલાર પંપ ખેડૂતોને ઉપલબ્ધ કરાવ્યા છે, જેને કારણે દેશના ખેડૂતોના અંદાજે 50 લાખ કરોડ રૂપિયા બચ્યા છે. જો આ સોલાર પંપ ન મળ્યા હોત તો ખેડૂતોએ સિંચાઈ માટે 80 કરોડ લીટર મોંઘું ડીઝલ ખરીદવું પડત, જેણે અન્નદાતાઓના જીવનમાં મોટી રાહત આપી છે. ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે એ માટે અમે 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. 

પશુપાલનને ગ્રામીણ અર્થવ્યવસ્થાનું મહત્ત્વપૂર્ણ અંગ ગણાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીને સફળતાપૂર્વક જોડ્યું છે, જેના પરિણામે આજે ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને તેનો સીધો લાભ દેશના પશુપાલકોને મળી રહ્યો છે. બનાસકાંઠામાં સ્થપાયેલ બીબીબીઆરસી સેન્ટર રાષ્ટ્રીય ગોકુલ મિશનને વધુ વેગ આપશે અને અહીં આઈવીએફ ટેકનોલોજી દ્વારા દેશી ગાયોનું શ્રેષ્ઠ સંવર્ધન થવાથી આવનારી પેઢીને ઉત્તમ પશુધન પ્રાપ્ત થશે. આ સાથે જ ગ્રામીણ સ્તરે ગોબરથી બાયોગેસ અને જૈવિક ખાતર તૈયાર કરવા માટેનું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવી રહ્યું છે, જે 'વેસ્ટમાંથી વેલ્થ' (કચરામાંથી સમૃદ્ધિ) ના મંત્રને સાકાર કરી રહ્યું છે.

બનાસકાંઠામાં આયોજિત વિશાળ ખાટલા સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના લોકોએ આજે અનોખો વટ પાડી દીધો છે અને દુનિયામાં ક્યારેય આટલી મોટી ખાટલા સભા થઈ નહીં હોય. આ પ્રસંગે હાથમાં પીએમનો ફોટો લઈને ઊભેલી એક દીકરી સાથે સંવાદ કરતા તેમણે હસતાં-હસતાં કહ્યું કે, બહેન, તે મને હરાવી દીધો. વડાપ્રધાને સરકારની ઉપલબ્ધિઓ વર્ણવતા કહ્યું કે છેલ્લાં 12 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાનને સક્ષમતાથી જોડ્યું છે, જેના કારણે આજે 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજના દેશના નાના ખેડૂત પરિવારો માટે મોટો આર્થિક આધાર બની ગઈ છે.

આજે વડાપ્રધાને બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ઈટી-આઈવીએફ) લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (બીબીબીઆરસી)ના પશુ ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ભીલડીમાં રૂ.14,000 કરોડના જનકલ્યાણકારી પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. આ કાર્યક્રમની ખાસિયત એ છે કે દેશમાં પ્રથમવાર વડાપ્રધાનની 'ખાટલા સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. સભાસ્થળે ગ્રામીણ પરંપરા મુજબ ખેડૂતો અને ગ્રામજનો માટે ખુરશીઓની જગ્યાએ ખાટલા ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં બેસીને વડાપ્રધાને ખેડૂતોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ બે નવી ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી આપી હતી.

દેશના રેલવે નેટવર્ક અને કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ ટ્રેન સેવાઓ શરૂ થવાથી મુસાફરો, વેપારીઓ અને યાત્રાળુઓ માટે અવરજવર વધુ સુવિધાજનક અને ઝડપી બનશે.

કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે વડાપ્રધાન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ રૂ.4,950 કરોડના ખર્ચે પૂર્ણ થયેલી 521 પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આમાં કોલ્ડ સ્ટોરેજ, સાઇલો, ગોડાઉન, પોલીહાઉસ, ગ્રીનહાઉસ તેમજ કૃષિ પેદાશોના પ્રોસેસિંગ સેન્ટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દિયોદરના સણાદરમાં બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણનું પણ લોકાર્પણ કર્યું હતું અને પાલનપુરમાં અલ્ટ્રા-હાઇ-ટેમ્પરેચર મિલ્ક પ્રોડક્ટ્સ માટે ઓટોમેટેડ સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી હતી. પર્યાવરણ અને ઉર્જા સુરક્ષા માટે બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુરમાં અનુક્રમે 75 અને 100 મેટ્રિક ટન પશુના છાણની ક્ષમતા ધરાવતા બાયો-જીએનજી પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

બાળકલ્યાણ અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે ગુજરાતમાં રૂ.800 કરોડના રોકાણથી 4,030 નવા બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યારે પૂર્ણ થયેલાં 361 બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું. આ યોજનાથી ચાર લાખથી વધુ લોકોને લાભ થશે. ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી સુધારવા માટે રૂ.2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા સ્ટેટ હાઇવે-41ને ફોન-લેનમાંથી એઇટ-લેનમાં અપગ્રેડ કરવાની મહત્ત્વકાંક્ષી યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

પ્રવાસના બીજા ચરણમાં 30 ઓક્ટોબરની સાંજે વડાપ્રધાન એકતાનગર ખાતે 'એકતા પ્રકાશ પર્વ' અને 'ભારત પર્વ-2026'નું ઉદ્ઘાટન કરશે. 15 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશની સાંસ્કૃતિક વિરાસત, પ્રાદેશિક વાનગીઓ, લોકકલા અને હસ્તકલાનું પ્રદર્શન થશે. આ પર્વનું મુખ્ય આકર્ષણ 530 મીટર લાંબો ફ્લાવર્સ વેલી રોડ અને 180 મીટર લાંબી ગ્લો ટનલ છે, જે 'વિવિધતામાં એકતા'ની થીમ પર 1.5 કરોડથી વધુ એલઇડી લાઇટ્સથી ઝગમગી ઉઠશે. આ સમગ્ર આયોજનથી એકતાનગરમાં રાત્રિ પ્રવાસનને મોટો વેગ મળશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર (કેવડિયા) ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. 


હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આવતીકાલે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતી-રાષ્ટ્રીય એકતા દિવસ પર દેશભરમાં રન ફોર યુનિટી યોજાશે, એમાં યુવાઓ ભારે ઉત્સાહથી ભાગ લે. કેટલાક લોકો દેશને તકલીફમાં જોવા માંગે છે અને આમાં તેમને આનંદ મળે છે. દુનિયામાં યુદ્ધની સ્થિતિમાં આ લોકોએ ખાતરની અછતની અફવા ફેલાવી અને ખોટી લાઈનો બતાવી. દુનિયામાં 3000ની કિંમતમાં મળતી ખાતરની થેલી ભારતમાં સરકારે 300 રૂપિયામાં આપી. 5000ની ખાતરની થેલી 1300 રૂપિયામાં સરકાર આપી રહી છે. હું દિલ્હી જઈને જે કઈ કરી શક્યો એ તમને આભારી છે. હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ.


આપણા નરેન્દ્રભાઈ કોઈ કહે ત્યારે મારી છાતી ફૂલી જાય

નરેન્દ્ર મોદીએ કહ્યું, જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ કરવામાં દેશની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો. આપણા નરેન્દ્રભાઈ કોઈ કહે ત્યારે મારી છાતી ફૂલી જાય છે. એક-એક ગુજરાતીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. એક ગામના છોકરાએ ક્યારેય સપનું જોયું ન હતું તેમને તમે આગળ મોકલ્યો. ગુજરાતની જનતાએ જે મને શિખવાડ્યું એ મેં દિલ્હી જઈને કર્યું છે. છેલ્લા 12 વર્ષમાં મધનું ઉત્પાદન બમણું થયું છે. આપણે પહેલા કહ્યું હતું કે દેશમાં મધ-ક્રાંતિ લાવવાનની છે. મધ ઉત્પાદનના રોકોર્ડ થયા છે. આપણો દેશ પ્રાકૃતિક મધનો બીજો મોટો નિર્યાતક દેશ બની ગયો છે.


મોદીએ પાણી અને વીજળી બચાવવા અપીલ કરી

પીએમ મોદીએ કહ્યું કે, ગોબરથી બાયોગેસ અને ખાતર બનાવવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભા કરવામાં આવી રહ્યા છે, 12 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલનમાં વિજ્ઞાનને જોડ્યુ છે. સોલાર પંપના કારણે દેશના ખેડૂતોના 50 લાખ કરોડ રૂપિયા બચ્યાં છે. સરકારે અત્યાર સુધીમાં 12 લાખ સોલાર પંપ ખેડૂતોને આપ્યાં, જો સોલાર પંપ ન મળત તો 80 કરોડ લીટર ડીઝલ ખેડૂતોએ ખરીદવું પડત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરાથી લોકોને પાણી અને વીજળી બચાવવા અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે મને દેશની સેવામાં 25 વર્ષ થઈ ગયા છે. હું જીવીશ ત્યાં સુધી ગુજરાતનો ઋણી રહીશ અને તમારી સેવામાં હાજર રહીશ. ઘણા લોકો આજે દેશની મહિલાઓ અને ખેડૂતોને ભ્રમમાં નાખી દેવા માગે છે. દેશ પર સંકટ આવે ત્યારે આવા લોકો ખુશ થાય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application