વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરત અને સંઘપ્રદેશ દમણની અત્યંત મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન બપોરે 2:00 વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાંથી તેઓ સીધા બપોરે 2:30 વાગ્યે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) પ્લાન્ટની મુલાકાત માટે રવાના થશે. હજીરા ખાતે પીએમ મોદી 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત તૈયાર થઈ રહેલા દેશના અત્યાધુનિક સંરક્ષણ (મિશન ડિફેન્સ) અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું બારીકાઈથી નિરીક્ષણ કરશે. કંપનીના ચેરમેન અને ટોચના અન્વેષકો-એન્જિનિયરોની ઉપસ્થિતિમાં આ ઉચ્ચ સ્તરીય મુલાકાત સંપન્ન થશે. બાદમાં સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 18,778 કરોડ રૂપિયાના પ્રકલ્પોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ અને જાહેર સભા સંબોધશે.
હજીરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4:15 વાગ્યે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે. આ મુખ્ય જાહેર કાર્યક્રમ માટે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં વિશાળ જનમેદની ઉમટી પડશે. વડાપ્રધાન અહીં એક ભવ્ય જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ વિશાળ ડિજિટલ સ્ક્રીનના માધ્યમથી એક સાથે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સની તકતીઓનું અનાવરણ કરશે. આ મુલાકાત 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા તરફ એક મોટું કદમ સાબિત થશે અને દક્ષિણ ગુજરાતના આંતરમાળખાકીય વિકાસને નવી ગતિ આપશે.
વડાપ્રધાનના હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના સાત જિલ્લાઓ માટે અંદાજીત રૂ. 18,778 કરોડના વિવિધ આઠ વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ. 13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ. 4,852 કરોડના વિવિધ પાંચ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રજાલક્ષી અને ઔદ્યોગિક સુવિધાઓથી આગામી સમયમાં સમગ્ર વિસ્તારમાં રોજગારી અને પ્રગતિના નવા આયામો સર થશે.
વડાપ્રધાનના સુરત પ્રવાસને પગલે સમગ્ર શહેરને લોખંડી કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. ગુરુવારે બપોરથી જ પોલીસે તમામ રૂટ અને કાર્યક્રમના સ્થળો પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. પીએમની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે સુરત શહેરના છ હજારથી વધુ પોલીસ જવાનો ઉપરાંત બહારથી બોલાવાયેલા છ ડીસીપી કક્ષાના અધિકારીઓ અને એસઆરપીની પાંચ કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે. કેન્દ્રીય એજન્સીઓ એનએસજી અને એસપીજીના ઉચ્ચ અધિકારીઓ તેમજ કમાન્ડોએ પણ મોરચો સંભાળી લીધો છે. તંત્ર દ્વારા સુરત એરપોર્ટથી લઈ હજીરા અને ઈન્દોર સ્ટેડિયમ સુધીના રૂટ પર સુરક્ષા કાફલાનું સફળ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
સુરતનો કાર્યક્રમ પૂર્ણ કરીને વડાપ્રધાન સાંજે 6:15 વાગ્યા આસપાસ સંઘપ્રદેશ દમણ જવા રવાના થશે. દમણ ખાતે તેમના હસ્તે આશરે રૂ. 2,970 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને પ્રસ્તાવિત કુલ 56 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને સમગ્ર દમણ 'નમો નમો' થઈ ગયું છે. આ પ્રવાસની સૌથી મોટી વિશેષતા એ છે કે દમણના ડોમેસ્ટિક એરપોર્ટને હવે “નમો એરપોર્ટ” અને મરવડ હોસ્પિટલને હવે “નમો હોસ્પિટલ” તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. પીએમની મુલાકાત પૂર્વે જ આ યોજનાઓ સાથે વડાપ્રધાનનું નામ જોડાતા દમણવાસીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.