ઈઝરાયેલી અને અમેરિકન હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇનું મોત થયું છે. આ સમાચારે દુનિયામાં હલચલ મચાવી દીધી છે. જ્યારે અમેરિકાના સાથી પક્ષો આ હુમલાને યોગ્ય ઠેરવી રહ્યા છે, ત્યારે તેનો વિરોધ કરનારાઓ તેને ક્રૂર હત્યા ગણાવી રહ્યા છે. જોકે, ભારત તરફથી હજુ સુધી કોઈ નોંધપાત્ર ટિપ્પણી કરવામાં આવી નથી. વિરોધ પક્ષોએ ભારત સરકાર અને વડા પ્રધાન મોદીના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું કે મોદી સરકારે ભારતના પરંપરાગત વિદેશ નીતિના વલણ સાથે સમાધાન કર્યું છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું હતું કે, આયાતુલ્લા ખામેનેઇ અને અન્ય ઈરાની નેતાઓની હત્યા પર મોદી સરકારનું મૌન તેના નૈતિક નેતૃત્વનો ત્યાગ અને અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ બોલવાની અનિચ્છા દર્શાવે છે. આ ભારતના સિદ્ધાંતો અને મૂલ્યો સાથે દગો છે. ભારત પહેલાં ક્યારેય આટલું નબળું લાગ્યું નથી.
કોંગ્રેસના અન્ય નેતા જયરામ રમેશે પણ મોદી સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયેલી હુમલાઓ પછી પણ મોદી સરકારનું મૌન ભારતના મુખ્ય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, એવા સમયે જ્યારે ઘાતક હુમલાઓ અને યુદ્ધો નાગરિકોથી લઈને ટોચના નેતાઓ સુધી દરેકને નિશાન બનાવી રહ્યા છે ત્યારે આપણી સરકારે આ આંતરરાષ્ટ્રીય મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તટસ્થ દેશ તરીકે કયા રાજદ્વારી પ્રયાસો કરી રહી છે તે જણાવવું જોઈએ.
ઈરાને ગઈકાલે ખામેનેઇના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આ લખાય છે ત્યાં સુધી, ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. શનિવારે મોડી રાત્રે, વિદેશ મંત્રાલયે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ પર પ્રતિક્રિયા આપી હતી.