BREAKING NEWS

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાકિસ્તાન બહાર: ભારત-પાકિસ્તાન મહામુકાબલો નહીં થાય, બાંગ્લાદેશને મળી એન્ટ્રી

  • October 09, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન હોકી ટીમે આ પ્રમુખ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારતના પંજાબ રાજ્યમાં આવેલા જલંધર અને મોહાલી ખાતે થવાનું છે, પરંતુ પાકિસ્તાને ભારતમાં રમવા આવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પાકિસ્તાન બહાર થતાં જ આ ટુર્નામેન્ટમાં હાઈ-વોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ જોવા મળશે નહીં. હવે પાકિસ્તાનના સ્થાને બાંગ્લાદેશની ટીમને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં એન્ટ્રી આપવામાં આવી છે.

આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2026 દરમિયાન રમાશે. ટુર્નામેન્ટનો પ્રારંભ 27 ઓક્ટોબરે થશે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય હોકી ટીમ પોતાની પ્રથમ મેચ જલંધરમાં બાંગ્લાદેશ સામે રમશે. લીગ રાઉન્ડની તમામ મેચો 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી જલંધરમાં રમાશે, ત્યારબાદ અંતિમ તબક્કાની મેચો મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સીનિયર ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ ખાતે યોજાશે. સેમિફાઈનલ મેચો 4 નવેમ્બરે અને ફાઈનલ તથા બ્રોન્ઝ મેડલ મેચ 5 નવેમ્બરે રમાશે.


આ વખતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં એશિયાની 6 મોટી ટીમો ભાગ લેશે. જેમાં યજમાન ભારત ઉપરાંત મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, ચીન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. પાંચ વખતની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા અને એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય ટીમ આ વખતે પણ ખિતાબ જીતવા માટે સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.



​​​​​​​

ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ, તમામ 6 ટીમો રાઉન્ડ-રોબિન લીગ તબક્કામાં સામસામે 5-5 મેચો રમશે. લીગ રાઉન્ડના અંતે પોઈન્ટ ટેબલની ટોચની 4 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. ભારતના સમયપત્રક મુજબ, બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચ બાદ ભારત 29 ઓક્ટોબરે ચીન, 30 ઓક્ટોબરે જાપાન, 1 નવેમ્બરે મલેશિયા અને 2 નવેમ્બરે દક્ષિણ કોરિયા સામે ટકરાશે. ભારતની તમામ લીગ મેચો સાંજે 7 વાગ્યે શરૂ થશે. નોંધનીય છે કે ભારતે આ અગાઉ 2011, 2016, 2018, 2023 અને 2024 માં આ ટ્રોફી પોતાના નામે કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application