ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા કચ્છના કંડલા બંદર પર મોટી કાર્યવાહી કરીને દાણચોરી કરવાનો એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. DRIની ટીમે કંડલા પોર્ટ પરથી દરોડો પાડીને આશરે રૂ.3 કરોડની અંદાજિત કિંમત ધરાવતી ૩૬૪ મેટ્રિક ટન પાકિસ્તાની સૂકી ખજૂરનો જથ્થો જપ્ત કર્યો છે. આ સમગ્ર માલ ૧૩ જેટલા મોટા કન્ટેનરોમાં ભરીને ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
યુએઈના નામે કાગળો બનાવી પાકિસ્તાની મૂળ છુપાવ્યું
DRIના પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય દાણચોરો દ્વારા અત્યંત ચાલાકીપૂર્વક છેતરપિંડી આચરવામાં આવી હતી. કાગળ પર અને શિપિંગ દસ્તાવેજોમાં માલ સંયુક્ત અરબ અમીરાત (UAE) નો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે વાસ્તવિકતામાં આ માલનો મૂળ દેશ પાકિસ્તાન હતો. મૂળ દેશ પાકિસ્તાન હોવાની વિગતો છુપાવીને આયાત ડ્યૂટી અને સરકારી નિયમોમાં ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરાયો હતો. આ કૌભાંડ ખુલ્લું પડતાં જ પાકિસ્તાનથી દુબઈ અને ત્યાંથી ભારત સુધી સક્રિય ગેરકાયદે દાણચોરીના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે.
અગાઉ પણ ઝડપાયો હતો રૂ.૧.૪ કરોડનો મુદ્દામાલ
ઉલ્લેખનીય છે કે, કંડલા બંદર પર DRI દ્વારા આ પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત નથી થઈ. માત્ર ગત અઠવાડિયે જ આ જ ગેરકાયદે પેટર્ન અને રસ્તાનો ઉપયોગ કરીને ભારતમાં ઘૂસાડવામાં આવી રહેલો રૂ.૧.૪ કરોડની કિંમતનો ૧૪ મેટ્રિક ટન કુદરતી રેઝિન (ગુંદર) નો જથ્થો પણ અધિકારીઓએ ઝડપી પાડ્યો હતો. બે પાછોતરા દરોડા બાદ DRI અને અન્ય સુરક્ષા એજન્સીઓએ કંડલા બંદર પર ચેકિંગ અને વિજિલન્સ પ્રક્રિયા વધુ કડક બનાવી દીધી છે.