શાહબાઝ શરીફના શેખચલ્લી સપનાં: સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સિંધુ જળ કરારનો ઉલ્લેખ કરી કહ્યું ભારતે જવાબ આપવો પડશે
પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઇસ્લામાબાદમાં આયોજિત 'યાદગાર-એ-ફતેહ' કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સામે આક્રમક વલણ અપનાવ્યુ હતું અને ફરી એકવાર ધમકીભર્યું નિવેદન આપી કહ્યું હતું કે સિંધુ નદીનું એક એક બુંદ અમારા માટે રેડ લાઈન છે.જેના માટે જો ભારત પાછળ નહી હટે તો આપણે આકારો જવાબ આપવો પડશે.
સિંધુ જળ સંધિ મુદ્દે શાહબાઝ શરીફે ભારત સામે ઝેર ઓકતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીપું તેની રેડ લાઇન છે. તેના માટે ભારતે પોતાની જીદ મુકવી જ પડશે, નહિતર પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૫માં પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને હોલ્ડ પર રાખી હતી.મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ (ઓપરેશન સિંદૂર)નો ઉલ્લેખ કરતાં શાહબાઝે કહ્યું કે, "પાકિસ્તાન શાંતિ અને સન્માન ઇચ્છે છે, પણ તેને નબળાઈ ન સમજવી. ભવિષ્યમાં જો કોઈ પાકિસ્તાનની સાર્વભૌમત્વને પડકારશે તો મે ૨૦૨૫ કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપવામાં આવશે.
અમેરિકા અને ચીનની દોસ્તીનો રાગ આલાપ્યો
શરીફે દાવો કર્યો હતો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સમયસર સીઝફાયર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેમણે ચીન સાથેની દોસ્તીને હિમાલયથી પણ ઊંચી ગણાવી હતી અને સાઉદી અરેબિયા તથા તુર્કી સાથેના સંરક્ષણ કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.આના પરથી એક બાબત એ ફલિત થાય છે કે શાહબાઝ શરીફે એક તરફ શાંતિની વાતો કરી તો બીજી તરફ સિંધુ જળ સંધિ અને લશ્કરી સંઘર્ષ મુદ્દે ભારતને સીધી ચેતવણી આપીને બંને દેશો વચ્ચેના તણાવને ફરીથી હવા આપી છે.