રાજકોટ શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે આજી નદી કાંઠાના વિસ્તારને ગેરકાયદેસર દબાણોથી મુક્ત બનાવવા માટે અને ભવિષ્યમાં નિર્માણ થનારી પૂર જેવી પરિસ્થિતિઓથી બચાવ માટે જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવા તા.૨૩ને સોમવારે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. દરમિયાન આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપાલિકાની ટુકડીઓ સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે જઇને સ્વૈચ્છાએ દબાણો દૂર કરવા સમજાવટ સાથે અપીલ કરી રહી હોય આજે અનેક રહીશોએ સ્વૈચ્છાએ તેમના દબાણો દૂર કર્યા તેમજ અનેક રહીશોએ વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું.
વધુમાં મ્યુનિ.વર્તુળોએ જણાવ્યું હતું કે આજી નદી કાંઠા વિસ્તારમાં આશરે ૫૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં ૯૯૨ મકાનો સહિતના એકમો સમાવિષ્ટ છે. જ્યારે ટીપી રોડ વિસ્તાર માં આશરે ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં કુલ ૪૯૭ મકાનો સહિતના એકમો છે. આ મુજબ કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન વિસ્તારમાંથી ૧૪૮૯ જેટલા મકાનો સહિતના દબાણો છે જે સોમવારથી તબક્કાવાર દૂર કરવામાં આવશે.
મ્યુનિ.સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહાપાલિકાની અપીલને માન આપીને અનેક રહીશોએ જાતે જ તેમના ગેરકાયદે બાંધકામો દૂર કરવાનું, માલ સમાન લઇ જઇ મકાનો ખાલી કરવાનું અને ગેરકાયદેસર દબાણગ્રસ્ત વિસ્તારમાંથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે, જે નાગરિકો સ્વૈચ્છિક સ્થળાંતર કરી રહ્યા છે તેમને ઘર વખરીના પરિવહન માટે મહાપાલિકા દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.
મેગા ડિમોલિશન પૂર્વે મહાપાલિકાના ૧૨ પગલાં
1. ૧૪૮૯ દબાણકર્તાઓને અગાઉથી નોટીસ અને તક આપવામાં આવી
2. તા.૧૯ ફેબ્રુઆરીથી મ્યુનિ.ટીમો દ્વારા સ્થળ ઉપર માર્ગદર્શન અને સૂચના
3. ત્રણ દિવસની સમય મર્યાદાની અંતિમ સૂચના જારી
4. તા.૨૩ ફેબ્રુઆરીથી ડીમોલીશન કાર્યવાહી પૂર્વે દબાણો દૂર કરવા રૂબરૂ અપિલ
5. ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું
6. પોલીસ અને પીજીવીસીએલ સહિતના સરકારી વિભાગો સાથે સંકલન
7. દબાણગ્રસ્ત વિસ્તારનું અલગ અગલ સાત ઝોનમાં વિભાજન
8. સાત ઝોનમાં ૧૧૩૦થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની તૈનાતી
9. મ્યુનિસિપલ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરીંગ
10. ૨૬૦થી વધુ મશીનરી અને માનવબળ સાથે માઈક્રો પ્લાનિંગ
11. સુરક્ષા અને આવશ્યક સેવાઓ માટે પગલા, મેડિકલ ટીમ, ફાયર બ્રિગેડ,એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે, પોલીસ બંદોબસ્ત સતત તૈનાત રહેશે.
12. તા.૨૩ને સોમવારે ડિમોલિશનમાં ૬૪થી વધુ જેસીબી મશીનો,૮૪ ટ્રેક્ટર, ૭ હિટાચી મશીન, ૫૦ ટ્રેક્ટર બ્રેકર, ૪૨ ગેસ કટર, ૧૪ ડમ્પર અને મોટી સંખ્યામાં મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને સુપરવિઝન ટીમની વ્યવસ્થા