મધ્યમવર્ગીય પરિવાર માટે પોતાના ઘરના આંગણે એક નવી, ચકચકાટ ગાડી આવીને ઉભી રહે તે માત્ર એક ખરીદી નથી, પણ વર્ષોના સપના અને મહેનતની કમાણીનો ઉત્સવ છે. આજકાલના જમાનામાં મહિન્દ્રા થાર (Mahindra Thar) જેવી દબંગ એસયુવી (SUV) ખરીદવાનો ક્રેઝ યુવાનો અને પરિવારોમાં ચરમસીમાએ છે. પરંતુ, ઘણીવાર શોખ ખાતર કે વટ પાડવા માટે વગર વિચારે લીધેલો મોટો કાર લોન, વ્યાજના એવા વિષચક્રમાં ફસાવી દે છે કે ઘરનું બજેટ ખોરવાઈ જાય છે.
જો તમે પણ ₹૨૦ લાખ સુધીની બજેટ કાર લેવાનું વિચારી રહ્યા છો, તો ફાઇનાન્સની દુનિયાનો એક સુપરહિટ '20-4-10' નો ફોર્મ્યુલા તમારી ખિસ્સા પરનો બોજ હળવો કરી દેશે. ચાલો સમજીએ આ જાદુઈ ગણિતને.
નવી ગાડી ખરીદતી વખતે મોટાભાગના લોકો માત્ર કારના લુક અને ફીચર્સ પર ધ્યાન આપે છે, પણ ખરીદવાની સાચી રીત ચૂકી જાય છે. ફાયનાન્સ નિષ્ણાતોના મતે, જો તમે આ ત્રણ અંકનો નિયમ અપનાવશો તો કાર ક્યારેય તમારા ઘરના રાશન, બાળકોની ફી કે ભવિષ્યના રોકાણને અસર નહીં કરે.
શું છે આ ‘20-4-10’ નો સુપરહિટ ફોર્મ્યુલા?
૨૦ (20% ડાઉન પેમેન્ટ): ગાડીની ઓન-રોડ કિંમતના ઓછામાં ઓછા ૨૦ ટકા રકમ તમારે પોતાની બચતમાંથી રોકડી ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવી જોઈએ.
૪ (4 વર્ષની લોન): કાર લોનની મુદત ક્યારેય પણ ૪ વર્ષ (૪૮ મહિના) થી વધુ ન હોવી જોઈએ.
૧૦ (10% EMI નિયમ): તમારી ગાડીનો માસિક હપ્તો (EMI) અને તેનો મેન્ટેનન્સ ખર્ચ, તમારી દર મહિને હાથમાં આવતી ચોખ્ખી સેલરી (In-hand Salary) ના ૧૦ ટકાથી વધુ ન હોવો જોઈએ.
₹૨૦ લાખની કારનું આખું ગણિત સમજો
ધારો કે તમે ₹૨૦ લાખની ઓન-રોડ કિંમત વાળી એસયુવી ફાઇનલ કરી છે. હવે ફોર્મ્યુલા મુજબ ગણતરી કરીએ:
૧. ડાઉન પેમેન્ટ: ૨૦ લાખના ૨૦% એટલે કે ₹૪,૦૦,૦૦૦ તમારે રોકડા આપવાના રહેશે. આનાથી તમારી લોનની રકમ ઘટીને ₹૧૬,૦૦,૦૦૦ થઈ જશે. ઓછી લોન હોવાથી બેંક પણ સસ્તા વ્યાજે લોન આપશે.
૨. વ્યાજ અને હપ્તો (EMI): જો બેંક ૯% ના વાર્ષિક વ્યાજે ૪ વર્ષ માટે લોન આપે, તો તમારો માસિક હપ્તો આશરે ₹૩૯,૮૧૧ આવશે. આ ૪ વર્ષમાં તમે બેંકને કુલ ₹૩.૧૧ લાખ વ્યાજ ચૂકવશો.
મોટી ચેતવણી (લાંબી લોનની જાળ): ઘણા લોકો હપ્તો નાનો રાખવાના ચક્કરમાં ૭ વર્ષની લોન લઈ લે છે. તેમાં તમારો હપ્તો ઘટીને ₹૨૫,૭૨૦ તો થઈ જશે, પણ તમારે બેંકને વ્યાજ પેટે ₹૫.૬૦ લાખ ચૂકવવા પડશે! એટલે કે ૪ વર્ષની લોન લેવાથી તમે સીધા ₹૨.૫ લાખ વ્યાજના બચાવી શકો છો.
જો સેલરી ઓછી હોય તો સપનું કેવી રીતે પૂરું કરવું?
નિયમ પ્રમાણે જો ₹૪૦,૦૦૦ નો હપ્તો ભરવો હોય તો તમારી માસિક આવક ₹૪ લાખ હોવી જોઈએ. પણ જો તમારી સેલરી ₹૧.૫ લાખથી ₹૨ લાખની વચ્ચે હોય તો નિરાશ થવાની જરૂર નથી. તમે આ બે વિકલ્પો અપનાવી શકો:
ડાઉન પેમેન્ટ વધારી દો: ૨૦ ટકાને બદલે સીધું ૫૦ ટકા એટલે કે ₹૧૦ લાખ રોકડા ભરી દો, જેથી લોન માત્ર ૧૦ લાખની જ રહે અને હપ્તો નાનો થઈ જાય.
મુદત થોડી વધારો: લોનની મિયાદ ૪ ના બદલે વધુમાં વધુ ૫ વર્ષ કરો, જેથી ઈએમઆઈ ઘટીને ₹૩૩,૨૧૨ થઈ જશે.