સૌરાષ્ટ્રભરમાં ચોરી સહિતના ગુના આચરતી ટોળકીના ૧૯ શખ્સો વિરુદ્ધ તાજેતરમાં વીંછિયા પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગેંગના ૧૧ આરોપીઓને ઝડપી લીધા હતાં. જ્યારે ગેંગનો લીડર રણજીણ ઉર્ફે બોડીયો હાથ લાગ્યો ન હતો.દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે બોડીયાને સીમ વિસ્તારમાં પોલીસની ટીમે વેશ પલટો કરી ડ્રોનની મદદથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને રિમાન્ડ માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરતા અદાલતે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિપ્ત રાય અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનાખોરીને ડામવા માટે જિલ્લા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન પાલીતાણાના રણજીત ઉર્ફે બોડિયો ઉર્ફે રણીયો રામજીભાઈ પરમાર નામનો શખસ તેના સાથીદારો અને સાગરીતો સાથે મળી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ગ્રામ્ય સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ચોરી સહિતના ગુના આચરતા હોય જેથી આ ટોળકી સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા તથા ટીમે આ ટોળકી ગુનાઓ અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ગુનાહિત માહિતી મેળવી ગુજસીટોક મુજબ ગુનો બનતો હોવાનું ફલિત થતું હોય જેથી રેકર્ડના આધારે વિગતવારની દરખાસ્ત તૈયાર કરી વીંછિયા પોલીસ સ્ટેશનમાં આ ટોળકીના 19 શખસો વિરુદ્ધ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી ૧૧ આરોપીને ઝડપી લીધા હતાં. પરંતુ ગેંગનો લીડર બોડીયો પોલીસના હાથ લાગ્યો ન હતો.
દરમિયાન એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે ભાવનગર પંથકના અંતરીયાળ ડુંગરાળ વિસ્તારમાં વેશ પલટો કરી ડ્રોનની મદદથી ગેંગના મુખ્ય સૂત્રધાર રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમાર(રહે. પાલીતાણા) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને રિમાન્ડ માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરતા અદાલતે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
આ કામગીરીમાં જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા, એસઆઇ રાજુભાઇ જોષી, નિમેષભાઇ તથા એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ જમોડ, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, શિવરાજભાઈ ખાચર, જીતેન્દ્રભાઈ ગોહિલ, ધર્મેશભાઈ બાવળીયા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો. જયારે મેટોડા પીએસઆઇ એન.બી.ઝાલા, વીંછિયા એસઆઇ સંજયકુમાર નીરંજની સાથે રહ્યા હતાં.