BREAKING NEWS

રાજકોટમાં નંબર પ્લેટ વગર નીકળનાર વાહનચાલકો સામે પોલીસની ધોંસ: 62 વાહન ડિટેઇન

  • August 19, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ટ્રાફિક નિમયનુ ઉલ્લંઘન કરનાર અને ખાસ કરીને નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર સામે પોલીસે ધોંસ બોલાવી છે. શહેરના મુખ્ય માર્ગો અને સર્કલ પર ટ્રાફિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો સઘન ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગર ફરતા ૬૨ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતાં.

ગઈકાલે સાંજના સમયે રાજકોટના વ્યસ્ત એવા કિશાનપરા ચોક સહિતના વિવિધ સર્કલો અને સંવેદનશીલ ચાર રસ્તાઓ પર પોલીસે કડક ચકિંગ કર્યું હતું. રસ્તા પરથી પસાર થતા શંકાસ્પદ અને નિયમ વિરુદ્ધના તમામ વાહનોને અટકાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મેગા ડ્રાઈવ દરમિયાન માત્ર બાઈક જ નહીં, પરંતુ કાર ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી. નિયમ વિરુદ્ધ કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ (કાળા કાચ) લગાવીને ફરતા અનેક કાર ચાલકો પોલીસના સકંજામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પર જ આવી કારોમાંથી કાળા કાચની ફિલ્મ દૂર કરાવી હતી અને ચાલકોને મોટો દંડ ફટકાર્યો હતો. કાળા કાચ પાછળ ગુનાહિત પ્રવૃત્તિઓ છુપાવવાનો પ્રયાસ કરતા તત્વોને આ ડ્રાઈવ દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે.

ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન મોડી રાતે ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા તથા એસીપી લાલીવાલ સહિતનો મોટો પોલીસ કાફલો મેદાને આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી થતાં કોઈ પણ ભલામણ કે વગ વગર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ મોટે ભાગે લૂંટફાટ, ચેઈન સ્નેચિંગ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં થતો હોવાનું ભૂતકાળમાં સામે આવ્યું છે. ગુનેગારો ગુનો કરીને સરળતાથી નાસી છૂટે અને પોલીસ પકડી ના શકે તે માટે જાણીજોઈને નંબર પ્લેટ હટાવી દેતા હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવનો મુખ્ય હેતુ શહેરમાં ગુનાખોરી પર લગામ કસવાનો અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવ યથાવત રહેશે તેવુ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.


ઘરથી જ શરૂઆત: સીપી કચેરીમાંથી પણ ૫૦ વાહનો ડિટેઈન

ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાની માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેની શરૂઆત ઘરથી જ કરી હોય તેમ પોલીસ કમિશનર કચેરીમાં પણ નંબર પ્લેટ વગરના વાહનો તેમજ મોડીફાઇ વાહનોને ડીટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હાલ સુધીમાં ૫૦ થી વધુ વાહનો સીપી કચેરીમાંથી પણ ડિટેન કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application