BREAKING NEWS

ભારે વરસાદની આગાહીના પગલે પોલીસ સજ્જ: ત્રણ દિવસ રજા રદ, ઇમરજન્સી બેઠક યોજાઈ

  • July 31, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અતિભારે વરસાદની કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઇ ગયું છે.

જનતાની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપીને એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકે તમામ પીઆઈ સાથે ઇમરજન્સી બેઠક યોજી હતી.


વરસાદી કટોકટીને પહોંચી વળવા માટે આગામી ત્રણ દિવસ સુધી તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારો અને સંવેદનશીલ પોઇન્ટ્સ આઇડેન્ટિફાય કરી, પાણી ભરાય તે પહેલાં જ લોકોને સલામત સ્થળે ખસેડવા માટેનો રોડમેપ તૈયાર કરી લેવાયો છે.


આપત્તિજનક સ્થિતિમાં ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે પોલીસે જેસીબી, ટ્રેક્ટર અને ક્રેન માલિકો સાથે સીધો સંપર્ક સાધી તમામ મશીનરી એલર્ટ મોડ પર મૂકી દીધી છે. આ ઉપરાંત, સ્થાનિક તરવૈયાઓની યાદી તૈયાર કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જ્યારે પોલીસ વાહનોને લાઈફ જેકેટ અને દોરડા જેવા રેસ્ક્યુ સાધનોથી સજ્જ કરાયા છે. કંટ્રોલ રૂમને ૨૪ કલાક કાર્યરત રાખીને પોલીસ વિભાગ દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક ફાયર બ્રિગેડ સાથે સતત સંકલન સાધવામાં આવશે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને ગણતરીની મિનિટોમાં મદદ પહોંચાડી શકાય.


પાણી ભરાતા જ અંડરપાસ-રસ્તા બેરિકેડ થશે: ડાયવર્ઝન પ્લાન તૈયાર

અતિભારે વરસાદ દરમિયાન વાહનચાલકો પાણીમાં ફસાય નહીં અને ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાય તે માટે લોકલ પોલીસ અને ટ્રાફિક પોલીસ વચ્ચે મજબૂત સંકલન સાધવામાં આવ્યું છે. દર વર્ષે ઘૂંટણસમા પાણી ભરાતા હોય તેવા નીચાણવાળા માર્ગો અને અંડરપાસ પર વરસાદ શરૂ થતાં જ તાત્કાલિક બેરિકેડિંગ કરીને રસ્તા બ્લોક કરી દેવાશે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો માટે વૈકલ્પિક ડાયવર્ઝન પ્લાન જાહેર કરવામાં આવશે, જ્યારે મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિક બ્રિગેડના જવાનો વરસાદમાં પણ ખડેપગે રહીને વાહનોને સુરક્ષિત માર્ગ તરફ વાળવાની કામગીરી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News