BREAKING NEWS

મિશન 2027: ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, જેન-ઝીને સ્થાન આપવાની શક્યતા, આવા નેતાઓ થશે ઘરભેગા

  • August 23, 2026 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે અત્યારથી જ પોતાના પ્રદેશ સંગઠનને આક્રમક, સુસજ્જ અને યુવામય બનાવવા માટે કમર કસી લીધી છે. પક્ષમાં નવી ઊર્જા લાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠન માળખાને દિલ્હી ખાતે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ નવી વ્યુહરચના હેઠળ સંગઠનમાં લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા જૂના અને પરંપરાગત ચહેરાઓને પડતા મૂકવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે, જ્યારે તેમની જગ્યાએ જેન-ઝી વર્ગના યુવાનો અને જમીની સ્તર પર સક્રિય રહેલા યુવા કાર્યકરોને આગળ લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ નવા પ્રદેશ માળખાને આખરી મંજૂરી અપાવવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી ખાતે રાષ્ટ્રીય નેતાગીરી અને પક્ષના હાઈકમાન્ડ સાથે યોજાયેલી મેરેથોન બેઠકોમાં આગામી ચૂંટણીના રોડમેપ, રણનીતિ અને પ્રદેશ સંગઠનની પુનઃરચના અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રદેશ નેતાગીરી દ્વારા તૈયાર કરવામાં આવેલી સંભવિત હોદ્દેદારોની યાદી હાઈકમાન્ડની મંજૂરી અર્થે સુપ્રત કરી દેવામાં આવી છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હી હાઈકમાન્ડ તરફથી આખરી ઓપ મળ્યા બાદ ચાલુ ઓગસ્ટ માસના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. પક્ષના અગ્રણી ચૂંટણી રણનીતિજ્ઞ સુનીલ કાનુગોલુના આંતરિક સર્વેક્ષણ અને રીપોર્ટના આધારે જ આ નવું માળખું આકાર પામ્યું હોવાનું કહેવાય છે. જેમાં ભૂતકાળમાં રાજ્યમાં થયેલા વિવિધ સામાજિક તથા શૈક્ષણિક આંદોલનોમાંથી ઊભરેલા અને પક્ષ પ્રત્યે વફાદાર રહેલા યુવાનોને વિશેષ સ્થાન સોંપવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા, આધુનિક ટેકનોલોજી અને વર્તમાન યુવા વર્ગ સાથે સીધો સંવાદ સાધી શકે તેવા યુવા નેતાઓને પ્રદેશ કક્ષાએ મહત્વની જવાબદારીઓ મળશે.


ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની પુનઃરચનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષના કયા જૂના દિગ્ગજોના પત્તા કપાશે અને કયા નવા યુવા ચહેરાઓને મોટી સંગઠનાત્મક લોટરી લાગશે, તેને લઈને કાર્યકરો અને રાજકીય વિશ્લેષકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application