સૌરાષ્ટ્રના સૌથી પ્રખ્યાત અને વિશાળ લોકમેળાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ વખતે મેળાર્થીઓ માટે વિશેષ આકર્ષણ તરીકે ભારતીય નેવીનું બેન્ડ રજૂ કરવામાં આવશે, જે મેળાના માહોલમાં દેશભક્તિ અને ઉત્સાહનો નવો રંગ ઉમેરશે.
આયોજન માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર: ૨૨૮ પ્લોટનું વિતરણ કરાશે
મેળાના સફળ અને સુચારુ આયોજન માટે તંત્ર દ્વારા સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે. આ વખતે મેળામાં નાની-મોટી રોમાંચક રાઇડ્સ, ખાણી-પીણીના સ્ટોલ્સ તેમજ રમકડાંની દુકાનો માટે કુલ ૨૨૮ જેટલા પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. વેપારીઓ અને મુલાકાતીઓ બંનેને પૂરતી જગ્યા અને સુવિધા મળી રહે તે રીતે તમામ પ્લોટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી મેળામાં માનવમહેરામણ સરળતાથી ફરી શકશે.
સુરક્ષા અને ઇમરજન્સી સેવાઓ માટે વિશેષ 'ગ્રીન કોરિડોર'
આ વર્ષે તંત્ર દ્વારા લોકમેળામાં સુરક્ષા અને સેફ્ટીને સૌથી પ્રાથમિકતા આપવામાં આવી છે. ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને કોઈ પણ અપ્રિય ઘટના કે દુર્ઘટના સમયે તાત્કાલિક રાહત કાર્ય પહોંચાડી શકાય તે માટે મેળાના ગ્રાઉન્ડની અંદર જ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ માટે ખાસ કોરિડોર બનાવવામાં આવશે.
રાજકોટના ડેપ્યુટી કલેક્ટર અજય ઝાપડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મુલાકાતીઓની સુરક્ષા માટે મેળા સ્થળ પર જ ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સતત સ્ટેન્ડબાય રાખવામાં આવશે, જેથી કટોકટીના સમયે વિના વિલંબે બચાવ કામગીરી શરૂ કરી શકાય.