BREAKING NEWS

ગુજરાતના યુસીસી બિલને રાષ્ટ્રપતિની મંજૂરી: સરકારે ગેઝેટ જાહેર કર્યું, જાણો મહત્વપૂર્ણ બદલાવો વિશે

  • October 02, 2026 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા 'યુનિફોર્મ સિવિલ કોડ' (યુસીસી) બિલને આખરે રાજ્યપાલની મંજૂરી બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી પણ મંજૂરીની મહોર મળી ગઈ છે. આ સાથે જ ગુજરાતમાં 'ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026' સત્તાવાર રીતે કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને રાજ્ય સરકાર દ્વારા તેનું ગેઝેટ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ નવા કાયદાના અમલીકરણ સાથે જ રાજ્યના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વારસા અંગેના નિયમોમાં મોટા અને મહત્વપૂર્ણ બદલાવો આવ્યા છે.

આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં તેમજ રાજ્યની બહાર રહેતા તમામ ગુજરાતી નાગરિકોને લાગુ પડશે. જોકે, ભારતીય બંધારણની કલમ 366(25) અને 342 હેઠળ આવતા અનુસૂચિત જનજાતિ (એસટી)ના સભ્યો તેમજ બંધારણના ભાગ-21 હેઠળ રક્ષિત પરંપરાગત અધિકારો ધરાવતા વિશેષ જૂથોને આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નવા કાયદા હેઠળ પારિવારિક અને સામાજિક વ્યવહારોમાં સમાનતા લાવવા માટે અનેક કડક અને સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે.

નવા કાયદા મુજબ લગ્ન અને છૂટાછેડાનું રજીસ્ટ્રેશન હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. લગ્ન સમયે યુવકની ઉંમર ૨૧ વર્ષ અને યુવતીની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે. કાયદો અમલમાં આવ્યા બાદ થતા તમામ લગ્નોની નોંધણી ૬૦ દિવસની અંદર કરાવવી પડશે, અન્યથા દંડની જોગવાઈ રહેશે. જો કે, આ કાયદાથી વિવિધ ધર્મોની પરંપરાગત લગ્નવિધિઓ જેવી કે સપ્તપદી, નિકાહ, આશીર્વાદ કે આણંદ કારજ પર કોઈ પણ પ્રકારની રોક લગાવવામાં આવી નથી. આ ઉપરાંત એકપત્નીત્વનો નિયમ પણ કડક કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત જીવિત જીવનસાથી હાજર હોય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકાશે નહીં.

લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માંગતા કે રહેતા યુગલો માટે પણ નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આવા યુગલોએ સક્ષમ અધિકારી કે રજિસ્ટ્રાર સમક્ષ સંયુક્ત નિવેદન આપીને પોતાના સંબંધોની નોંધણી ફરજિયાત કરાવવી પડશે. તેમજ જો ભવિષ્યમાં આ લિવ-ઇન સંબંધોનો અંત આવે, તો તેની જાણ પણ રજિસ્ટ્રારને સંયુક્ત કે એકતરફી સ્ટેટમેન્ટ આપીને અચૂક કરવાની રહેશે.

સૌથી મોટો અને ક્રાંતિકારી બદલાવ સંપત્તિ અને વારસાના અધિકારમાં આવ્યો છે, જેનાથી મહિલાઓને મોટો ન્યાય મળ્યો છે. જો કોઈ વ્યક્તિ વસિયતનામું કર્યા વગર અચાનક અવસાન પામે તો તેની મિલકતમાં પત્ની કે પતિ, સંતાનો અને માતા-પિતા એમ તમામ કાયદેસરના વારસદારોને સમાન હિસ્સો અને હક પ્રાપ્ત થશે. ખાસ કરીને લગ્ન બહાર જન્મેલા બાળકો, સરોગસી દ્વારા કે કાયદેસર દત્તક લીધેલા બાળકોને પણ જૈવિક બાળકોની જેમ જ કાયદાકીય અને વારસાહક સંબંધિત તમામ સમાન અધિકારો આપવામાં આવ્યા છે.

કોઈપણ પ્રકારના કૌટુંબિક વિવાદો કે છૂટાછેડાના કેસોમાં સીધા કોર્ટમાં દોડી જવાને બદલે અગાઉ પ્રિ-લિટિગેશન મેડિએશન (મધ્યસ્થતા)નો વિકલ્પ અપનાવવાની વ્યવસ્થિત જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, લગ્નની કાયદેસરની નોંધણી કરાવ્યા વિના નોકરી કે અન્ય સરકારી દસ્તાવેજોમાં પોતાની વૈવાહિક સ્થિતિ બદલી શકાશે નહીં. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ગેઝેટ પ્રસિદ્ધ થવાની સાથે જ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવી ગયો છે, જેનાથી પારિવારિક કાયદાઓમાં એકરૂપતા આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application