વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આજે પ્રથમ દિવસે બનાસકાંઠાના ભીલડી ખાતેથી તેઓએ રૂ.14,000 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પહેલા નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો હતો. જેમાં લોકોએ 'મોદી કહી નહીં જાયેગા...હમ તુમ્હારે સાથ હૈ' નારા લાગ્યા હતા. આ ઉપરાંત, પીએમ કિસાન યોજના અંતર્ગત દેશના ખેડૂતો માટે રૂ.19,000 કરોડના 24મા હપ્તાની રકમ પણ જાહેર કરી હતી. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર (કેવડિયા) ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. વડાપ્રધાનના આ આગમનને પગલે બનાસકાંઠાના ભીલડીમાં ઉત્સાહ અને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે વડાપ્રધાને બનાસકાંઠામાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (ઈટી-આઈવીએફ) લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (બીબીબીઆરસી)ના પશુ ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ભીલડીમાં રૂ.14,000 કરોડના જનકલ્યાણકારી પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. આ કાર્યક્રમની ખાસિયત એ છે કે દેશમાં પ્રથમવાર વડાપ્રધાનની 'ખાટલા સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. સભાસ્થળે ગ્રામીણ પરંપરા મુજબ ખેડૂતો અને ગ્રામજનો માટે ખુરશીઓની જગ્યાએ ખાટલા ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં બેસીને વડાપ્રધાને ખેડૂતોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ બે નવી ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી આપી હતી.
દેશના રેલવે નેટવર્ક અને કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ ટ્રેન સેવાઓ શરૂ થવાથી મુસાફરો, વેપારીઓ અને યાત્રાળુઓ માટે અવરજવર વધુ સુવિધાજનક અને ઝડપી બનશે.
કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા માટે વડાપ્રધાન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ રૂ.4,950 કરોડના ખર્ચે પૂર્ણ થયેલી 521 પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આમાં કોલ્ડ સ્ટોરેજ, સાઇલો, ગોડાઉન, પોલીહાઉસ, ગ્રીનહાઉસ તેમજ કૃષિ પેદાશોના પ્રોસેસિંગ સેન્ટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દિયોદરના સણાદરમાં બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણનું પણ લોકાર્પણ કર્યું હતું અને પાલનપુરમાં અલ્ટ્રા-હાઇ-ટેમ્પરેચર મિલ્ક પ્રોડક્ટ્સ માટે ઓટોમેટેડ સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી હતી. પર્યાવરણ અને ઉર્જા સુરક્ષા માટે બનાસ ડેરી દ્વારા થરાદ અને રાધનપુરમાં અનુક્રમે 75 અને 100 મેટ્રિક ટન પશુના છાણની ક્ષમતા ધરાવતા બાયો-જીએનજી પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
બાળકલ્યાણ અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે ગુજરાતમાં રૂ.800 કરોડના રોકાણથી 4,030 નવા બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યારે પૂર્ણ થયેલાં 361 બાળમૈત્રી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું. આ યોજનાથી ચાર લાખથી વધુ લોકોને લાભ થશે. ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી સુધારવા માટે રૂ.2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા સ્ટેટ હાઇવે-41ને ફોન-લેનમાંથી એઇટ-લેનમાં અપગ્રેડ કરવાની મહત્ત્વકાંક્ષી યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
પ્રવાસના બીજા ચરણમાં 30 ઓક્ટોબરની સાંજે વડાપ્રધાન એકતાનગર ખાતે 'એકતા પ્રકાશ પર્વ' અને 'ભારત પર્વ-2026'નું ઉદ્ઘાટન કરશે. 15 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશની સાંસ્કૃતિક વિરાસત, પ્રાદેશિક વાનગીઓ, લોકકલા અને હસ્તકલાનું પ્રદર્શન થશે. આ પર્વનું મુખ્ય આકર્ષણ 530 મીટર લાંબો ફ્લાવર્સ વેલી રોડ અને 180 મીટર લાંબી ગ્લો ટનલ છે, જે 'વિવિધતામાં એકતા'ની થીમ પર 1.5 કરોડથી વધુ એલઇડી લાઇટ્સથી ઝગમગી ઉઠશે. આ સમગ્ર આયોજનથી એકતાનગરમાં રાત્રિ પ્રવાસનને મોટો વેગ મળશે.