રાજકોટમાં વિજયા દશમી પર ભારતીય વડાપ્રધાનનું પોસ્ટર સળગાવવામાં આવ્યું હતું. જે અંગેનો વીડિયો પોલીસના ધ્યાને આવતાં તુરંત જ કાર્યવાહી કરી ચાર સામજિક કાર્યકરોની અટકાયત કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઈ કેતનભાઈ શેખલીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જીતેન્દ્ર હેમેન્દ્ર કોટેચા (ઉ.વ.-૪૭, રહે.ગીતાનગર શેરી નં ૭, આસોપાલ એપાર્ટમેન્ટ ચોથો માળ પીએનટી કોલોની ગોંડલ રોડ રાજકોટ), મગનભાઇ ગોલાપભાઇ ડરાણીયા (ઉ.વ.૬૩, રહે, દ્વારકાધીશ સોસાયટી શેરી નં ૦૧, ગોંડલ રોડ રાજકોટ), શકિતસિંહ કીરીટસિંહ ઝાલા (ઉ.વ.૪૩, રહે. ગોકુલધામ આર. એમ.સી. ક્વાર્ટર બ્લોક નં ૪૩, રૂમ નંબર ૧૮૧૧, રોકડીયા ચોક ગોકુલધામ મેઇન રોડ રાજકોટ), કમલેશભાઈ સુમનભાઈ પારેખ (ઉ.વ.૬૬, રહે. ગોકુલધામ આર.એ મ.સી. ક્વાર્ટર બ્લોક નં ૧૧, રૂમ નંબર ૧૪૨૦, રોકડીયા ચોક ગોકુલધામ મેઇન રોડ રાજકોટ) ના નામ આપ્યા છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના છ વાગ્યાથી ફરીયાદી અન્ય સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા ત્યારે ફેસબુક એપ્લીકેશનમા જીતુભાઇ કોટેચા નામના ફેસબુક આઇ.ડી. પરથી ત્રણ શખસો સાથે મળી ભારતીય વડાપ્રધાનનુ પોસ્ટર બતાવી પોસ્ટર જાહેરમા સળગાવતા હોય અને એક વ્યક્તિ તેનુ મોબાઇલ ફોનમા વીડિયો બનાવીને લાઇવ કરીને વીડિયો તેમના ફેસબુક આઈ.ડી.મા મુકેલ જોવા મળ્યો હતો.
જે બાદ તુરંત પોલીસની ટીમે દોડી જઇ વીડિયોમાં દેખાતા જીતેન્દ્રભાઈ કોટેચા, મગનભાઇ ડરાણીયા, શકિતસિંહ ઝાલા અને કમલેશભાઈ પારેખની અટક કરી આ વીડિયો બાબતે પુછતા તમામે જણાવેલ કે, તા.૨૦ ના સાંજના ગોંડલ રોડ દક્ષીણ મામલતદારની કચેરીની દીવાલ પાસે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફોટાવાળુ પોસ્ટર આજે દશેરા હોય જે નીમીતે સળગાવીને જીતેન્દ્રભાઇ કોટેચાના ફેસબુક આઇ.ડી. ઉપર લાઇવ થઇને અપ્લોડ કરેલ હોવાનુ જણાવેલ હતું. જેથી ચારેય શખસોએ જાહેરનામાનો ભંગ કરતાં ગુનો નોંધી ચારેયની અટકાયત કરી હતી.