રાજકોટ મહાપાલિકા દ્વારા રૈયા ગામથી સ્માર્ટ સિટી એરિયા સુધીનો રોડ પહોળો કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત રૈયા મુક્તિધામની રોડ તરફની સંપૂર્ણ કમ્પાઉન્ડ વોલ સહિતની ૬૦થી ૭૦ જેટલી રહેણાંક મકાનો સહિતની અનેક મિલકતો કપાતમાં જતી હોય તાજેતરમાં ડિમાર્કેશન અને નોટિસોની બજવણી સહિતની પ્રક્રિયા શરૂ કરાતા કપાતના અસરગ્રસ્તોમાં દેકારો બોલી ગયો હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને રૈયા મુક્તિધામની કમ્પાઉન્ડ વોલની કપાત મામલે વિવાદ થયાનું જાણવા મળે છે.
રૈયા મુક્તિધામની રોડ તરફની સંપૂર્ણ કમ્પાઉન્ડ વોલ કપાતમાં જતી હોય આ અંગે મ્યુનિ.ઇજનેરો સ્થળ નિરીક્ષણમાં ગયા હતા અને કમ્પાઉન્ડ વોલ સહિત મુક્તિધામ સંકુલની દસેક ફૂટ જમીન રસ્તો પહોળો કરવાને કામે કપાતમાં જશે તેમ જણાવી રવાના થઇ ગયા હતા. જ્યારે મુક્તિધામના ટ્રસ્ટીઓએ નવી કમ્પાઉન્ડ વોલ મહાપાલિકા તંત્ર બનાવી આપે તેવી માંગ કરી હતી. માંગણી સાંભળ્યા બાદ પ્રારંભે આનાકાની કર્યા પછી અંતે મ્યુનિ.ઇજનેરો દિવાલ બનાવી આપવા સહમત થયા હતા પરંતુ આજ દિવસ સુધી કામ શરૂ કર્યું નથી. રૈયા મુક્તિધામ ટ્રસ્ટની માંગણી એવી છે કે સ્મશાન કમ્પાઉન્ડ વોલ વિહોણું ન રહી શકે આથી પહેલા ડિમાર્કેશન કરીને મહાપાલિકા નવી કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ શરૂ કરે પછી જ જૂની કમ્પાઉન્ડ વોલ તોડવામાં આવે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રૈયાગામથી સ્માર્ટ સિટી સુધી જતો રોડ હાલ ૮૦ ફુટ પહોળાઈનો છે, તેની બન્ને બાજુ કપાત કરી ૧૫૦ ફૂટ પહોળાઈનો કરવા માટે ૭૦ ફૂટ મતલબ કે બન્ને બાજુ અંદાજે સરેરાશ ૩૫-૩૫ ફૂટ જેટલી કપાત આવી શકે છે. રૈયા ગામ સુધીના વિસ્તારમાં મિલકતો કપાતમાં આવે છે અને ગામથી આગળના વિસ્તારમાં સરકારી જમીનો આવે છે જે સંપાદિત દરમિયાન તાજેતરમાં આ અંગેની નોટિસોની બજવણી તેમજ ડિમાર્કેશન કરવામાં આવતા કપાતના અસરગ્રસ્તોમાંથી વળતરની માંગ ઉઠી છે.
જ્યારે આ મામલે મ્યુનિ.સૂત્રોએ ઉમેર્યું હતું કે મહાપાલિકા કપાતનું વળતર જમીન સામે જમીન, જમીન સામે રોકડ અને જમીન સામે એફએસઆઈ વિગેરે જેવા ત્રણ વિકલ્પો આપીને ચૂકવતી જ હોય છે.
ધારાસભ્ય-નગરસેવકો રૈયા મુક્તિધામને ગ્રાન્ટ આપે
રાજકોટ શહેરના અન્ય સ્મશાન ગૃહોની જેમ રૈયા મુક્તિધામમાં સુવિધાઓનો વ્યાપ વધારવા માટે ધારાસભ્ય તેમજ વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧ના નવનિયુક્ત નગરસેવકો ગ્રાન્ટ ફાળવે તો તે બાબત ઇચ્છનીય અને આવકાર્ય બની રહેશે. રૈયા સ્મશાન ગૃહમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાનું સિવિલ વર્ક પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોય મહાપાલિકાના પાપે ડાઘુઓને પરેશાની થઇ રહી છે. ધારાસભ્ય અને નગરસેવકો ઉપરાંત મહાપાલિકા તંત્ર પણ જે રીતે અન્ય સ્મશાન ગૃહોને સંચાલકીય ગ્રાન્ટ ફાળવે છે તે રીતે રૈયા સ્મશાન ગૃહને અપાતી ગ્રાન્ટમાં વધારો કરે તેવી માંગ ઉઠી છે.
સ્મશાનમાં પીવાના પાણી માટે જગ ખરીદવા પડે છે
રૈયા મુક્તિધામમાં હાથ મોઢું ધોવા માટે વપરાશનું પૂરતું પાણી મળી રહે છે પરંતુ ડાઘુઓને પીવા માટેનું પાણી આપવા હાલ દરરોજ મિનરલ વોટરના જગ અને કેરબા ટ્રસ્ટના ખર્ચે ખરીદવા પડે છે ! આ બાબતે પણ મહાપાલિકા તંત્ર ત્વરિત યોગ્ય કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. દાતાઓ તરફથી મળતા દાનથી સંચાલિત રૈયા મુક્તિધામમાં પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટે જરૂર પડ્યે વધારાના નળ જોડાણ આપવા અથવા તો ગ્રાન્ટમાંથી પીવાના પાણીનું પરબ બનાવી આપવા માંગ ઉઠી છે. નવા આવનારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ માટે કાર્યવાહી કરશે તેવી સૌને આશા છે.