ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)એ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. આનો અર્થ એ છે કે લોન ઇએમઆઇ વધશે નહીં. લોનના વ્યાજ દર સ્થિર રહેશે.
આ પહેલા એપ્રિલમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થયો ન હતો. આરબીઆઈએ છેલ્લી વાર ડિસેમ્બર 2025માં વ્યાજ દરમાં 0.25 ટકા ઘટાડીને 5.25 ટકા કર્યો હતો. આરબીઆઈ જે દરે બેંકોને લોન આપે છે, તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકો આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે.
ગયા વર્ષે જાન્યુઆરી 2025થી જૂન 2026 સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં ચાર વખત ફેરફાર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, દર 6.50 ટકાથી ઘટાડીને 5.25 ટકા કરવામાં આવ્યો હતો, જેનાથી 1.25 ટકા (125 બેસિસ પોઈન્ટ)ની નોંધપાત્ર રાહત મળી હતી. ફેબ્રુઆરી 2025માં 0.25 ટકાનો પહેલો રેપો રેટ ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, એપ્રિલમાં બીજો 0.25 ટકા દર ઘટાડો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં વધુ 0.25 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વર્ષની ફેબ્રુઆરીની બેઠકમાં દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.
ગયા વર્ષની શરૂઆતમાં ૬.૫૦ ટકા વ્યાજ દરો કરતા આજે ૫.૨૫ ટકા નોંધપાત્ર રીતે ઓછા છે. પરિણામે, ફ્લોટિંગ-રેટ હોમ લોન ધરાવતા લોકોના ઇએમઆઇમાં ગયા વર્ષની તુલનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એફડી વ્યાજ દરોમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે, જ્યારે રેપો રેટ ઊંચો હતો, ત્યારે બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર ઉત્તમ વળતર આપ્યું હતું. વર્ષના અંતમાં શ્રેણીબદ્ધ ઘટાડા બાદ, બેંકોએ એફડી વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.
મોનેટરી પોલિસી કમિટીમાં છ સભ્યો હોય છે. તેમાંથી ત્રણ આરબીઆઈના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આરબીઆઈની મીટિંગ દર બે મહિને થાય છે. નાણાકીય વર્ષ 2026-27માં મોનેટરી પોલિસી કમિટીની કુલ છ બેઠકો યોજાશે. પ્રથમ બેઠક 6-8 એપ્રિલ 2026ના રોજ થઈ હતી.
કોઈપણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી સાધન છે. જ્યારે મોંઘવારી ખૂબ વધારે હોય છે ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઓછો કરવાનો પ્રયાસ કરે છે.
પોલિસી રેટ વધારે હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો પોતાના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી ઇકોનોમીમાં મની ફ્લો ઓછો થાય છે. મની ફ્લો ઓછો થાય છે તો ડિમાન્ડમાં ઘટાડો આવે છે અને મોંઘવારી ઘટી જાય છે.
આ જ રીતે જ્યારે ઇકોનોમી ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે મની ફ્લો વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડી દે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.
જીડીપીના આંકડા આજે જાહેર થશે
2025-26 નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર અને સંપૂર્ણ વર્ષ માટે કામચલાઉ જીડીપીના આંકડા આજે સાંજે જાહેર કરવામાં આવશે. રોઇટર્સના અહેવાલો અનુસાર, જાન્યુઆરી-માર્ચ 2026 ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.1-7.3 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. આરબીઆઈએ નાણાકીય નીતિના નિર્ણય પહેલા બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતા સંકટ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભમાં, કેન્દ્રીય બેંકે વેરિયેબલ રેટ રેપો હરાજી દ્વારા બેંકિંગ સિસ્ટમમાં રૂ.17,445 કરોડ દાખલ કર્યા હતા. રિઝર્વ બેંકે અન્ય બેંકો દ્વારા વિનંતી કરાયેલ સંપૂર્ણ રકમને મંજૂરી આપી હતી. કટ-ઓફ રેટ અને વેઇટેડ એવરેજ રેટ બંને 5.26 ટકા પર સેટ કરવામાં આવ્યા હતા.