ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી કમિશનર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનો-ખાસ કરીને પનીર, ક્રીમ અને માખણ જેવા ઉત્પાદનો કે જેમાં દૂધના ફેટના બદલે વનસ્પતિ તેલ કે અન્ય બહારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ ઉપર તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આદેશ અન્વયે રાજકોટ મહાપાલિકાના આરોગ્ય શાખા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસ લાતી પ્લોટ શેરી નં.૪, પુનિત ઘરઘંટી પાસે, પારેવડી ચોક, રાજકોટ ખાતે પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ એનાલોગ ચીઝ, લો ફેટ પ્રોટીન પનીર તેમજ પ્યુરિકા બ્રાન્ડ પનીરના કુલ ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા તેમજ પેઢીને હાઈજીનીક કન્ડિશન અને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ફૂડ સેફટી કમિશનર, ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનો-ખાસ કરીને પનીર, ક્રીમ અને માખણ જેવા ઉત્પાદનો કે જેમાં દૂધના ફેટના બદલે વનસ્પતિ તેલ કે અન્ય બહારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે-તેના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધનું મુખ્ય કારણ તપાસ દરમિયાન લેવાયેલા પનીરના નમૂનાઓમાં વેજિટેબલ ફેટ (વનસ્પતિ તેલ/ઘી), ભેજ, સ્ટાર્ચ અને અન્ય બિન-અધિકૃત પદાર્થો મળી આવ્યા હતા, જે આરોગ્ય માટે અસુરક્ષિત અને અપ્રમાણસર છે.ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે આ પગલું લેવાયું છે.
સમગ્ર ગુજરાતમાં અસલી ડેરી પ્રોડક્ટ ન હોય તેવી અને પનીર, માખણ કે ક્રીમ જેવા ઉત્પાદનોની નકલ કરતી એનાલોગ બનાવટો બનાવવી, પ્રોસેસ કરવી, પેક કરવી, સંગ્રહ કરવો, પરિવહન કરવું કે વેચવું તેના ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.જે પ્રોડક્ટ્સમાં દૂધ અથવા મિલ્ક ફેટના બદલે વનસ્પતિ તેલ કે નોન-ડેરી તત્વો વાપરવામાં આવ્યા હોય તેવા પદાર્થોનો વપરાશ નહીં કરવા
રાજકોટ શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને કેન્ટીન કે ક્લાઉડ કિચન વિગેરેને ખાસ સુચના આપવામાં આવી છે. નોંધનીય છે કે ફ્રોઝન ડેઝર્ટ, પ્રોસેસ્ડ ચીઝ અ મિક્સ્ડ ફેટ સ્પ્રેડ જેવા માનક ઉત્પાદનોને આમાંથી મુક્તિ આપેલ છે.
વ્યવસાયિકો માટે મનપાએ જારી કરેલી સુચના
૧.તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ ડેરી એનાલોગનું વેચાણ તુરંત બંધ કરવાનું રહેશે.
૨.હોટેલો, રેસ્ટોરન્ટો અને કેટરર્સે માત્ર અસલી અને માનક (જેન્યુઇન એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ) ડેરી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવાનો રહેશે.
૩.ખરીદી, ઉત્પાદન અને વિતરણના તમામ રેકોર્ડ યોગ્ય રીતે જાળવવાના રહેશે.
૪.આ આદેશનો ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ ભારે દંડ અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.