માણાવદર તાલુકામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભારે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ સીઝનના પ્રથમ વરસાદનું ધીમી ધારે આગમન થયું હતું. આ વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને આકરા તાપમાંથી આંશિક રાહત મળી હતી. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં પણ મેઘરાજાના પધરામણીથી ખુશીની લહેર જોવા મળી હતી. જો કે, આ પ્રથમ વરસાદે જ માણાવદર નગરપાલિકાની ચોમાસા પૂર્વેની તૈયારીઓ એટલે કે પ્રિ–મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. માત્ર ધીમી ધારે પડેલા સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેને કારણે સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી છતી થઈ છે. માણાવદર પટેલ સમાજ વાડી પાસેના મુખ્ય માર્ગેા પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડો હતો. સૌથી દયનીય સ્થિતિ શાળાએ જતા વિધાર્થીઓની થઈ હતી, જેમને મજબૂરીમાં આ ગંદા પાણીમાંથી ચાલીને સ્કૂલે જવું પડું હતું. સ્થાનિક રહીશોમાં હવે એ વાતને લઈને ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે કે, જો સીઝનના ગણતરીના કલાકોના સામાન્ય વરસાદમાં જ શહેરની આ પરિસ્થિતિ થતી હોય, તો આગામી દિવસોમાં યારે ધોધમાર કે અતિભારે વરસાદ ખાબકશે ત્યારે માણાવદરની સ્થિતિ કેટલી બદતર થશે? લોકમાંગ ઉઠી રહી છે કે તત્રં વહેલી તકે જાગે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે. નગરપાલિકાની પ્રી–મોન્સુન કામગીરીના અભાવ સામે મુસાભાઇ સોલંકીએ આક્રોશ વ્યકત કર્યેા છે. ચોમાસાની શઆતમાં જ સામાન્ય વરસાદથી પટેલ ચોક રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાદી વાસ અને રાવળ પરા જેવા વિસ્તારોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને શાળાએ જતા નાના બાળકોને આ દૂષિત પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી રોગચાળો ફેલાવવાનો ભય છે. આગામી સમયમાં સ્થિતિ વધુ ન બગડે તે માટે તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરને વહેલી તકે સફાઈ અને પાણી નિકાલની કામગીરી પૂરી કરવા અપીલ કરી છે