ભાદરવા માસને ચોમાસાના અંતિમ તબક્કા તરીકે જોવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેઘસવારી હવે લગભગ વિરામના તબક્કામાં પહોંચી છે. ભાદરવા માસના પ્રારંભિક સપ્તાહ સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ક્રમશઃ ઘટતું ગયું હતું. દરમિયાન બુધવાર તા. ૨૨ સપ્ટેમ્બરે ગુજરાત અને સૌરાષ્ટ્રના માત્ર આઠ તાલુકામાં હળવા-ભારે વરસાદી ઝાપટાં નોંધાયા બાદ ગઈકાલથી આજે સવારે ૧૦ વાગ્યા સુધી રાજ્યમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી.
આકાશમાં વાદળોની આવનજાવન છતાં વરસાદી સિસ્ટમની ગેરહાજરીને કારણે મેઘવર્ષા માટેની સાનુકૂળ સ્થિતિ હાલ જોવા મળતી નથી. હવામાન વિભાગે તા. ૨૫ સપ્ટેમ્બરના બુલેટિનમાં ગુજરાત રિજિયન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ માટે તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી કોઈ ચેતવણી જારી કરી નથી.
દરમિયાન ચોમાસાની વિદાયના સંકેતો પણ સ્પષ્ટ બન્યા છે. અહેવાલ મુજબ ૨૪ સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે અને વિદાય રેખા કચ્છના ડીસા-નલીયા વિસ્તાર તરફ આગળ વધી છે.
હવામાન વિભાગના માપદંડ મુજબ ચોમાસાની વિદાય માટે સતત પાંચ દિવસ વરસાદી પ્રવૃત્તિમાં ઘટાડો, નીચલા વાતાવરણમાં પ્રતિચક્રવાતની સ્થાપના અને ભેજમાં નોંધપાત્ર ઘટાડો જેવા પરિબળો ધ્યાનમાં લેવાય છે. તેથી આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધુ ઘટાડો થાય તો સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે.