BREAKING NEWS

રાજકોટ સિવિલના વડાએ જાતે વાઈપર હાથમાં લઈ કરી સફાઈ, સરપ્રાઈઝ ચેકિંગમાં અમુક કર્મચારીઓને ઉંઘતા ઝડપ્યા

  • August 30, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલની સુવિધાઓ અને છબી સુધારવા માટે નવનિયુક્ત સિવિલ અધિક્ષક ડો. કમલ ડોડીયાએ કમર કસી છે. હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને દર્દીઓને યોગ્ય સારવાર પૂરી પાડવા માટે પોતે સતત કટિબદ્ધ હોવાના દાવા સાથે તેમણે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અધિક્ષક જાતે સફાઈ કામગીરીમાં જોડાયા હોવાના આ અનોખા પગલાંથી હોસ્પિટલ વર્ગમાં ભારે ચર્ચા જાગી છે.


તાજેતરમાં ઇમરજન્સી વિભાગ પાસે સિવિલ અધિક્ષક કમલ ડોડીયા પોતે વાઈપર લઈને સફાઈ કરતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે એકબીજા પર કામનો ઢોળાવો કરતા અને સફાઈ પ્રત્યે બેદરકારી દાખવતા સફાઈ કામદારો અધિક્ષકને જાતે સફાઈ કરતા જોઈને ભારે છોભીલા પડી ગયા હતા. સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરીને તમામ કર્મચારીઓને સ્પષ્ટ અને કડક સંકેત આપી દીધો છે કે હોસ્પિટલની કામગીરી અને સ્વચ્છતામાં કોઈપણ જાતની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ નવનિયુક્ત સિવિલ અધિક્ષક પોતાની આગવી શૈલી માટે ચર્ચામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેઓ હોસ્પિટલ પરિસરમાં સરપ્રાઈઝ રાઉન્ડ માટે સાયકલ લઈને નીકળ્યા હતા. આ રાઉન્ડ દરમિયાન કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ પરથી ગેરહાજર જણાતા તો અમુક કર્મચારીઓ ટેબલ પર માથું નાખીને ઊંઘતા ઝડપાઈ ગયા હતા. જે-તે સમયે જ અધિક્ષકે ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે આકરા પાણીએ થઈ કડક આદેશો કર્યા હતા. હવે સફાઈ અભિયાન હાથ ધરી તેમણે સિવિલની વ્યવસ્થા સુધારવાની પોતાની નેમ વધુ મજબૂત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News