BREAKING NEWS

રાજકોટ સિવિલ-ઝનાના હોસ્પિટલને જ 'દવા'ની જરૂર, દુઃખાવા કે ઉલ્ટી ઊબકાની તો ઠીક સિરીંજ પણ પૂરતી નથી

  • September 15, 2026 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એઇમ્સમાં 39 કરોડના ખર્ચે એડવાન્સ્ડ રેડિયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ થવા જનાર છે, સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસીસ-આઇસીયુ બેડ વધારી કુલ 40 બેડની વધુ સુવિધા ઉભી કરવામાં આવી, રાજકોટ સિવીલને મેડિસિટી બનાવવા માટેનો પાઇલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં માટે સરકારમાં વિચાર વિમર્શ ચાલી રહ્યો છે આ બધા સારા સમાચારો વચ્ચે રાજકોટ સિવિલ અને ઝનાના હોસ્પિટલમાં પેટના દુઃખાવો ઉપડે તો ટ્રામા ડોલ દવા નથી, , પેટના એસિડના કારણે ઉલ્ટી ઉબકા આવે તેના પૅન્ટોટોપ ઇન્જેક્શન નથી જે વોર્ડમાં 30 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે ત્યાં 20 જેટલી જ મેટ્રોનીડાઝોલ જેલ આપવામાં આવી રહી છે, વોર્ડમાં એક પણ સિરીંજ ન હોવાથી ઇન્જેક્શન પણ આપી શકાતા નથી આ બધું તો રૂટિન જરૂરિયાતની મુખ્યત્વે વસ્તુઓ નથી, આ સિવાયનું તો ઘણું બધું મળી રહ્યું, આ વચ્ચે પણ સિવિલ અને ઝનાના હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જે સ્ટાફ અને હોસ્પિટલ તંત્ર સો સો સલામને પાત્ર ગણવા કે સરકારના આરોગ્ય વિભાગની નાલેશી માનવી એ અહીં એક પ્રશ્નાર્થ છે.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા મહિનાઓથી દવા, પાઈન્ટ, ગ્લવ્સ, કેપ અને માસ્ક જેવી વસ્તુઓની પણ તંગી ચાલી રહી છે, વોર્ડમાંથી જે તે ઇન્ચાર્જ દ્વારા ઇન્ડેન્ટ બુકમાં જરૂરી વસ્તુઓની ડિમાન્ડ લખીને મોકલવામાં આવે એ દવાઓ, સિરીંજ સહિતની વસ્તુઓ સ્ટોરમાં ન હોવાથી કલાકો સુધી પ્યુન બેસી રહી વીલા મોઢે પાછા ફરે છે, તો કેટલાક ઇન્ડેન્ટની ડિમાન્ડના 10 ટકા જેટલી વસ્તુઓ માંડ કરીને આપવામાં આવી રહી છે. વોર્ડમાં જરૂરી દવાઓ, ઇન્જેક્શન, પાઈન્ટ પૂરતા પ્રમાણમાં ન હોવાથી મરો છેવટે દર્દીઓનો થઈ રહ્યો છે, આવી ઉભી થયેલી દવાઓની કટોકટીને ડામવા માટે અગાઉ પણ રાજ્યના આરોગ્ય વિભાગમાં રજૂઆતો થઇ છે, પરંતુ કદાચ સરકારમાં હેલ્થ અને આરોગ્યને ગંભીર લેવામાં આવતું ન હોવાથી આજે વોર્ડમાં દવાઓની મોટી ઘટ ઉભી થઇ હોવાનું કહેવું અતિશિયોક્ત નથી, આથી વધુ કહીએ તો ગુજરાતમાં અસલી અને નકલી દારૂ સહેલાય થી મળે છે પરંતુ સરકારી હોસ્પિટલમાં દવાઓ મળી રહી નથી એ લોકોના પણ હતભાગ્ય છે.


જીએમએસએલ સપ્લાય આપતી નથી, આરોગ્ય વિભાગ વ્યવસ્થા બદલતું નથી

રાજ્યની સરકારી હોસ્પિટલમાં સરકારના જીએમએસસીએલ કોર્પોરેશનમાંથી દવા તેમજ મેડીકલી વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે પરંતુ જીએમએસસીએલ પણ અનેક વિવાદોથી ભૂતકાળમાં પણ ઘેરાયેલું હતું અને આજે પણ રાજ્યની સરકારી હોસ્પિટલમાં પૂરતો દવા સહિતનો જથ્થો પૂરો પાડી નથી શકતું જેના કારણે સરકારી આરોગ્ય ક્ષેત્રે દવાઓ, મેડીકલી વસ્તુઓની ગંભીર વખતો વખત કટોકટી ઉભી થઇ રહી છે, સિવિલમાં સ્ટોરમાં કે જવાબદારોને પૂછવામાં આવે ત્યારે પહેલો જવાબ સરકારના જીએમએસસીએલમાંથી સપ્લાય પૂરતી આવતી નથી હોવાનું દોહરાવવામાં આવે છે. પરંતુ આ મુદ્દે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા સુધારવા કોઈ પગલાં લેવામાં આવતા નથી. બીજી તરફ લોકલ ખરીદી પણ મર્યાદિત અને રોટરી ક્લબ મારફતે કરવાના ફતવાઓના કારણે હોસ્પિટલના જવાબદારોના હાથ પણ બંધાયેલા રહે છે, સરવાળે પાઘડીનો વળ છેડે આવી ભોગ દર્દીઓ બને છે,


મેઘરાજાની જેમ રાહ જોવાય એમ સ્ટોરમાંથી વસ્તુની જોવાતી રાહ

મેઘરાજાના રૂસણા હોવાથી જેમ ખેડૂત આકાશમાં નેજવા કરીને વરસાદ ક્યારે આવશે તેની ચાતક નજરે રાહ જોતો જોવા મળે એમ સિવિલ અને ઝણણણ વોર્ડમાંથી ઇન્ચાર્જ ઇન્ડેન્ટ લઈને પ્યુનને સવારના મોકલે ત્યાર બાદ ક્યારે આવશે તેની આમ ચાતક નજરે રાહ જોતા હોય છે, અને જયારે આવે ત્યારે ડિમાન્ડ કર્યાની 10 ટકા વસ્તુઓ લઈને આવે છે તો કેટલીક વસ્તુઓ આવી જ ન હોવાનું માલુમ પડે છે. જેને લઈને મેટ્રન ઓફિસ, નર્સીંગ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસમાં જાણ કરી વોર્ડ કેવી રીતે ચલાવવો તે અંગે રજુઆત કરવામાં આવે છે પરંતુ તેમની રજૂઆતો પણ બહેરા કાને અથડાઈ રહી હોય તેમ કોઈ નિવારણ આવતું ન હોવાનો વસવસો વ્યક્ત કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application