BREAKING NEWS

આખા સૌરાષ્ટ્રમાં ફાફડાટ...મોરબીના ડિફોલ્ટર સચિન ભીમાણીએ 17 કરોડનો ટેક્સ નહીં ચૂકવતા રાજકોટ ઇન્કમટેક્સ આકરાપાણીએ

  • January 30, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રિકવરી વિભાગ દ્વારા વધુ એક વખત ત્રણ મહિના બાદ ડિફોલ્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીના ડિફોલ્ટર સચિનભાઈ ભીમાણીએ નોટિસ પાઠવવા છતાં 17 કરોડનો ટેક્સ નહીં ચૂકવતા તેમનો રવાપર રોડ પરની રેસિડેન્સીમાં આવેલો ફ્લેટ ટાંચમાં લેવામાં આવ્યો છે. રાજકોટમાં ત્રણ મહિના પૂર્વે 100 કરોડની ડિમાન્ડ સામે હરિકૃષ્ણ સુરેજા નામના ડિફોલ્ટરનો ફ્લેટ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે બાકી ટેક્સની ડિમાન્ડ સામે કરદાતાની મિલકત ટાંચમાં લેતા સમગ્ર સૌરાષ્ટ્રમાં સોપો પડી ગયો છે.


ઇન્કમટેક્સના કાયદા હેઠળ તેમને ડિફોલ્ટર તરીકે જાહેર કર્યા

આ અંગે રાજકોટ ચીફ ઇન્કમટેક્સ કમિશનર સતીષ કુમાર ગોયલ દ્વારા ટેક્સ ડિમાન્ડ ન ચૂકવી હોય એવા ભાગીદારો સામે પગલા ભરવાની કડક સુચના આપવામાં આવેલી હોવાથી ડિફોલ્ટરોની યાદી બનાવી અને રાજકોટ ઇન્કમટેક્સ રિકવરી વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતા સચિન ભાઈ ભીમાણીને નોટિસ પાઠવી હોવા છતાં તેઓ બાકીની રકમ ભરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. જેથી ઇન્કમટેક્સ અધિકારીઓને ઇન્કમટેક્સના કાયદા હેઠળ તેમને ડિફોલ્ટર તરીકે જાહેર કરી અને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે.


વૈભવી ફ્લેટ ટાંચમાં લેવામાં આવ્યો

મોરબીમાં કરદાતા સચિનભાઈ ભીમાણી રવાપર રોડ પર રેસીડેન્સીમાં વૈભવી ફ્લેટમાં રહેતા હતા. જેમણે બાકી વેરો સમયસર નહીં ચૂકવતા તેમના ફ્લેટને ટાંચમાં લેવામાં આવ્યો છે. આ કેસ મૂળ જામનગર આવકવેરા વિભાગના જ્યુડિશિયલ હેઠળનો હોવાથી મોરબી વિસ્તાર રાજકોટ રીજનમાં આવતો હોવાથી રાજકોટ ઇન્કમટેક્સ રિકવરી વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ગત ઓક્ટોબર મહિનામાં પણ આઠ વર્ષ જુના કેસમાં રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 100 કરોડની ડિમાન્ડ કરદાતા પાસેથી કાઢવામાં આવી હતી. વર્ષો પછી પણ હરિકૃષ્ણ સુરેશ આ નામના ડિફોલ્ટરે નોટિસ બાદ સો કરોડથી વધુની રકમ નહીં ચૂકવતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત તેમને રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સમન્સ અને નોટિસ પણ ફટકારવા છતાં તેમણે કોઈ જવાબ નહીં આપતા રિકવરી ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કમટેક્સ ચેપ કમિશનરના આદેશથી તેમનો 150 ફૂટ રીંગ રોડ પરના કદમ એપાર્ટમેન્ટમાં આવેલો વૈભવી ફ્લેટ જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application