ઉમેદવારો મૂંઝવણમાં: જિલ્લામાં કુલ ૫૦૪૦૭૧ માંથી ૩૧૩૪૦૪ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો, ૨૩ બેઠક પર ૭૨ ઉમેદવારના ભાવીનો કાલે ફેંસલો
જામનગર જિલ્લામાં મતદારોમાં રોષ કે નિરૂત્સાહ, જિ.પં.ની ચૂંટણીમાં મતદાન ૨.૭૦ ટકા ઘટયું
સૌથી વધુ અલીયા બેઠક પર ૯૫.૧૦ ટકા અને સૌથી ઓછું ધુંવાવ બેઠક પર ૫૪.૬૩ ટકા મતદાન: કોના તરફી વધુ અને ઓછું મતદાન માથું ખંજવાળતા રાજકીય પક્ષો અને ઉમેદવારો
જામનગર જિલ્લામાં પંચાયતોની ચૂંટણીમાં મતદારોમાં રોષ પ્રર્વતી રહ્યો છે કે નિરૂત્સાહ રહ્યા છે. કારણ કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૬૨.૧૭ ટકા મતદાન નોંધાયું છે. જો કે,ગત ચૂંટણીની સરખામણીએ મતદાન ૨.૭૦ ટકા ઘટયું છે. જિલ્લામાં કુલ ૫૦૪૦૭૧ માંથી ૩૧૩૪૦૪ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ અલીયા બેઠક પર ૯૫.૧૦ ટકા અને સૌથી ઓછું ધુંવાવ બેઠક પર ૫૪.૬૩ ટકા મતદાન નોંધાયું છે. ૨૪ પૈકી એક બેઠક બીનહરીફ થતાં ૨૩ બેઠક પર રહેલા ૭૨ ઉમેદવારનો ભાવીનો કાલે ફેંસલો થશે. સરેરાશ મતદાન ઘટયું છે ત્યારે કોના તરફી વધુ અને ઓછું મતદાન થયું છે તે અંગે રાજકીય પક્ષો અને ઉમેદવારો માથું ખંજવાળી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજયની જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગઇકાલે મતદાન થયું હતું. સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. પ્રારંભિક તબકકે એટલે કે પ્રથમ બે કલાકમાં ધીમું મતદાન રહેતા ૧૦.૫૧ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી હતી. આથી મતદાનમાં નોંધપાત્ર વધારો થયો હતો. મતદાન પૂર્ણ થતાં સુધીમાં એટલે કે સાંજે ૬ વાગ્યા સુધીમાં જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૬૨.૧૭ ટકા મતદાન નોંધાયું હતું. જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૨૬૨૯૮૫ પુરૂષ અને ૨૪૧૦૮૬ મહીલા મળી કુલ ૫૦૪૦૭૧ મતદાર નોંધાયા હતાં. જે પૈકી ૧૭૬૦૯૭ પુરૂષ અને ૧૩૭૩૦૭ મહીલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આથી કુલ ૩૧૩૪૦૪ મત પડયા હતાં. પુરૂષનું ૬૬.૯૬ અને મહીલાઓનું ૫૬.૯૫ ટકા મતદાન નોંધાયું હતું. અત્રે નોંધનીય છે કે, ૨૩ બેઠક પૈકી અલીયા બેઠક પર સૌથી વધુ ૯૫.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. જયારે સૌથી ઓછું ધુંવાવ બેઠક પર ૫૪.૬૩ ટકા મતદાન થયું હતું.
અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષ-૨૦૨૧માં કુલ ૫૪૩૦૫૧ મતદાર હતાં. પરંતુ એસઆઇઆરની કામગીરી બાદ ૧૬૪૭૮ મતદારોનો ઘટાડો થતાં ૫૨૬૫૭૩ મતદાર નોંધાયા હતાં. વર્ષ-૨૦૨૧ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૬૪.૮૩ ટકા મતદાન થયું હતું. મતદારોના ઘટાડાની સાથે વર્ષ-૨૦૨૬ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૬૨.૧૭ ટકા મતદાન નોંધાયું છે. આથી ગત ચૂંટણીની સરખામણીએ મતદારોના ઘટાડાની સાથે મતદાન પણ ૨.૭૦ ટકા ઘટયું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં રોષ છે કે પછી મતદાન પ્રત્યે નિરૂત્સાહ રહ્યા છે સળગતો સવાલ ઉઠ્યો છે. બીજી બાજુ મતદાનમાં થયેલા ઘટાડાથી કયાં રાજકીય પક્ષ અને ઉમેદવારને નુકસાન થશે તેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. આટલું જ નહીં જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને અમુક બેઠકો પર આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ હોય કોના તરફી વધુ અને ઓછું મતદાન થયું છે તે અંગે રાજકીય પક્ષો અને ઉમેદવારો માથું ખંજવાળી રહ્યા છે. જિલ્લા પંચાયતની ૨૪ પૈકી એક બેઠક બીનહરીફ થઇ હોય ૨૩ બેઠક ૭૨ ઉમેદવારનું ભાવી ઇવીએમમાં કેદ થયું છે. આવતીકાલે ગણતરી હોય પરિણામ પર સૌની મીટ મંડાઇ છે.