જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક બિનપયોગી કેનાલ બુરવાનો પ્રારંભ
વર્ષો જુની ખુલ્લી કેનાલના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા તા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કામગીરી
જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક ખુશ્બુવાડી બંગલા પાછળ આવેલી કેનલ સ્થાનિકો માટે વર્ષોથી સમસ્યારૂપ બની હતી. આ કેનલ હવે બિનઉપયોગી બની ગઈ હોવાથી તેને ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણીના પ્રયત્નોથી આ કામગીરી સત્વરે શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે સોલિડ વેસ્ટ શાખાના મુખ્ય અધિકારી આસી. કમિશનર મુકેશ વરણવા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર કેનાલનું સર્વે કરવામાં આવ્યું હતું. સર્વે બાદ કેનાલને બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીના પ્રારંભિક તબક્કામાં કેનલ ઉપરના સ્લેબો તોડી દૂર કરવામાં આવ્યા હતા. સ્લેબ નીચે ફિટ કરવામાં આવેલા લોખંડના સળિયા સહિતના ધાતુની સામગ્રી ગેસ કટર મંગાવી તેનું કટિંગ કરવામાં આવ્યું હતું. કટિંગ કરાયેલા લોખંડના સળિયા સહિતનો ભંગાર જામનગર મહાનગરપાલિકા ખાતે જમા કરાવવામાં આવ્યો છે. કેનાલ ઉપરના સ્લેબો તોડી દૂર કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે કેનાલને માટી સહિતની સામગ્રીથી બુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિકો માટે વર્ષોથી પ્રશ્નરૂપ બનેલી આ કેનાલ હવે બિનઉપયોગી બની ગઈ હોવાથી નજીકના ભવિષ્યમાં સમગ્ર જૂની કેનાલને ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણી દ્વારા સમગ્ર કામગીરીની દેખરેખ રાખવામાં આવી રહી છે.